ભગવાન શિવના પ્રસાદ તરીકે અથવા સાક્ષાત એમના સ્વરૂપ તરીકે રૂદ્રાક્ષનું મહાત્મય છે. એક દેવ સ્વરૂપે રૂદ્રાક્ષની ઔજ કરવી એ આપણી પરંપરા રહી છે. રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમો અને વિધાનો આપણાં શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. જેવી રીતે કોઈ દેવ મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એવી જ રીતે રૂદ્રાક્ષને પણ સિદ્ધ કરીને ધારણ કરવાથી એના કેટલાંક ચમત્કારિક પરિણામોનો અનુભવ થવા પામે છે. રૂદ્રાક્ષ પરમ કૃપાળુ પરમાત્માની અનંત શક્તિઓનો અનુભવ કરી શકતું એક શ્રેષ્ઠ અને પવિત્ર માધ્યમ છે અને એટલે જ રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ સદા પ્રસન્ન, નિરોગી અને સ્ફૂર્તિનો અનુભવ કરે છે. વૈજ્ઞાનિક પરિણામોનાં નિષ્કર્ષ પણ એ સાબિત કરે છે કે રૂદ્રાક્ષમાં રક્તસંચારને નિયંત્રિત કરવાની એક અદભૂત ક્ષમતા રહેલી છે. લોહીના પરિભ્રમણને સંતુલિત રાખવાની એક તાકાત રૂદ્રાક્ષમાં છે. શરીર ઉપર ધારણ કરેલો રૂદ્રાક્ષ શરીરને સ્પર્શ કરે એ આવશ્યક છે. આજે રૂદ્રાક્ષ ફેશનના નામે પણ લોકો પહેરે છે. સ્ત્રીના આભૂષણોમાં રૂદ્રાક્ષનો ઉપયોગ છેલ્લાં કેટલાંક સમયથી વધ્યો છે જાણે અજાણે પણ રૂદ્રાક્ષનું શરીર પર હોવું એ એક ચેતનાનો અનુભવ કરાવનારી બાબત છે. સ્વસ્થતા કેળવવા માટે, માનસિક સંતુલન કાયમ શાંત રાખવા માટે, ક્રોધ અને ગુસ્સાની તથા ભય અને નફરતની હાનિકારક લાગણીઓને નિયંત્રિત કરવા માટે તથા શરીરમાં અને મન તથા હૃદયમાં રહેલી નકારાત્મક ઊર્જાને હકારાત્મક શક્તિમાં રૂપાંતરિત કરવા માટે, મનની પરમ શાંતિનો અનુભવ કરવા રૂદ્રાક્ષ એક અમોધ શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી સત્ય એને સમજાય છે. રૂદ્રાક્ષનો અર્થ રૂદ્ર+અક્ષ. રૂદ્ર એટલે સાક્ષાત ભગવાન શિવ અને અક્ષ એટલે અશ્રુ. સ્કંદ પુરાણ પ્રમાણે રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાનના આંસુમાંથી થઈ છે. ભગવાન શિવના આંસુ એટલે રૂદ્રાક્ષ.