સોમવાર 9 માર્ચે હોળિકા દહન થશે બીજા દિવસે મંગળવાર, 10 માર્ચે ધૂળેટી રમવામાં આવશે. આ દિવસે વસંતોત્સવ પણ છે. હોળી પછી વસંત ઋતુની શરૂઆત થઈ જાય છે. આ ઋતુ વિશે એવી માન્યતા છે કે શિવજીનું તપ ભંગ કરવા માટે કામદેવ વસંત ઋતુ લઈને આવ્યાં હતાં. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રાચીન સમયમાં સતીએ પોતાના પિતા દક્ષના હવન કુંડમાં કૂદીને દેહ ત્યાગ કર્યો હતો ત્યારબાદ શિવજી અનિશ્ચિતકાળ માટે તપસ્યામાં બેસી ગયાં હતાં. એ સમયે તારકાસુરે તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યાં. તારકાસુર જાણતો હતો કે શિવજી તપમાં બેઠાં છે, તેમનું ધ્યાન તોડવું અશક્ય છે, શિવ બીજા લગ્ન પણ નહીં કરે. તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા, ત્યારે તારકાસુરે વરદાન માગ્યું કે તેમનું મૃત્યુ માત્ર શિવજીના પુત્ર દ્વારા જ થાય ત્યારે બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. વરદાનના પ્રભાવથી તારકાસુર અજેય થઈ ગયો, તેણે બધા દેવતાઓને પરાજિત કરી દીધાં, સ્વર્ગ પર અધિકાર કરી લીધો. આખી સૃષ્ટિમાં તારકાસુરનો અત્યાચાર વધી ગયો હતો. તેનાથી દુઃખી થઈને બધા દેવતા ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યા, પરંતુ તેઓ પણ બ્રહ્માજીના વરદાનને લીધે તારકાસુરનો વધ કરી શકતાં નહોતાં. એ સમયે શિવજીનું તપ ભંગ કરવા માટે દેવતાઓએ કામદેવ પાસે મદદ માંગી કામદેવ શિવજીનું તપ ભંગ કરવા માટે વસંત ઋતુ લઈ આવ્યાં.
આ ઋતુમાં શીતળ હવાઓ ચાલે છે, મોસમ સોહામણું બની જાય છે, ઝાડમાં નવા પાન આવવાનું શરૂ થઈ જાય છે, રાયના ખેતરોમાં પીળા ફૂલ જોવા મળે છે. આંબાના ઝાડ પર મોર આવી જાય છે. આ સોહામણાં મૌસમને લીધે તેને ઋતુરાજ કહેવામાં આવે છે. કામદેવના લીધે આ ઋતુની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, તેને કામદેવનો પુત્ર પણ કહે છે. ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, ઋતુઓમાં હું વસંત છું અર્થાત્ આ ઋતુને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વસંત ઋતુના સોહામણાં મૌસમ અને કામદેવના કામબાણોને લીધે જ શિવજીનું ધ્યાન ટૂટી ગયું. તેનાથી શિવજી ક્રોધિત થઈ ગયા અને તેમનું ત્રીજું નેત્ર ખુલી ગયું. જેનાથી તેમની સામે ઊભેલ કામદેવ ભસ્મ થઈ ગયો. થોડીવાર પછી શિવજીનો ક્રોધ શાંત થયો અને બધા દેવતાઓએ તારકાસુરને મળેલાં વરદાન વિશે જણાવ્યું. ત્યારે કામદેવની પત્ની રતિએ શિવજીને કામદેવને જીવિત કરવાની વિનંતી કરી. શિવજીએ રતિને વરદાન આપ્યું કે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણના પુત્ર પદ્યુમ્નના રૂપમાં કામદેવનો જન્મ થયો. આ પ્રસંગ પછી શિવજી અને માતા પાર્વતીના લગ્ન થયાં. લગ્ન પછી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો વધ કર્યો.