ગાંધીનગર – કોવિડ મહામારીના કારણે FMCG કંપનીઓ સપ્લાય ચેઇનની ખોરવાઈ ગયેલી પરિસ્થિતિથી પરેશાન છે. બનાવટી પ્રોડક્ટ પણ બજારમાં ઘૂસી રહી હોવાથી એફએમસીજી કંપનીઓ તેની તપાસ કરાવવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની નિમણૂક કરી રહી છે.
કંપનીઓને ડર છે કે, વર્તમાન પરિસ્થિતિનો લાભ લઈને ઘણા લેભાગુ ઓપરેટર્સ જાણીતી કંપનીઓની બ્રાન્ડ અને લોગોનો ઉપયોગ કરીને દેશભરમાં નકલી પ્રોડક્ટ્સ ઘુસાડી રહ્યા છે પરિણામે કંપનીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આવા કેટલાક તત્વો જાણીતી બ્રાન્ડના નામે તેમનો હલકો માલ બજારમાં વેચી રહ્યાં છે.
કેટલીક કંપનીઓને માહિતી મળી છે કે, બજારમાં બિસ્કિટથી લઈને જામ અને ડિટરજન્ટ પાઉડરથી લઈને શેમ્પૂ સહિતની બનાવટી પ્રોડક્ટ્સ ઘુસાડવામાં આવી રહી છે. દેશની જાણીતી અગ્રણી FMCG કંપનીઓએ નકલી પ્રોડક્ટ્સનું ચલણ વધ્યું હોવાની ફરિયાદ કરી છે. આ કંપનીઓ વર્ષોથી બનાવટી પ્રોડક્ટ્સની સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આવી પ્રોડક્ટ્સ બજારમાં ઘુસાડવી સરળ હોવાથી તેમની ચિંતા વધી છે.
કંપનીઓ અત્યારે તેમની ફેક્ટરીઓ શરૂ કરવાના કામમાં વ્યસ્ત છે અને સપ્લાય ચેઇનની સમસ્યા ઉકેલવા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે તેવા સમયે બનાવટી પ્રોડક્ટ્સની સમસ્યા સામે આવતાં આ કંપનીઓ ફોરેન્સિક તપાસનો વિકલ્પ વિચારી રહી છે. ફોરેન્સિક તપાસકર્તાઓ સપ્લાય ચેઇનનું મોનિટરિંગ કરશે અને કેટલાક મુખ્ય સપ્લાયર્સની વિશ્વસનીયતાની પણ ખરાઈ કરશે. કંપનીઓને ડર છે કે, આવી પ્રોડક્ટ્સના કારણે તેમના વેચાણ પર તો અસર પડશે જ પરંતુ ગ્રાહકોમાં તેમની ગૂડવિલ પણ ખરાબ થશે.
છેલ્લાં કેટલાંક સપ્તાહથી કંપનીઓને બજારમાં બનાવટી પ્રોડક્ટ્સ ફરતી થઈ હોવાની માહિતી મળી રહી છે અને આથી એક વખત તેમની સ્થિતિ થાળે પડી જશે એટલે તેઓ તપાસ પ્રક્રિયા હાથ ધરશે. ગુજરાતની પણ કેટલીક કંપનીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ફરિયાદ કરી છે કે તેમના જેવો માલસામાન બજારમાં ઘુસી રહ્યો છે. નકલી ઉત્પાદનોથી કંપનીઓની પ્રતિષ્ઠાને પણ ધક્કો લાગી શકે છે.