ચૈત્ર નવરાત્રિ 25 માર્ચથી શરૂ થઇ રહી છે, નવરાત્રિના નવ દિવસ સુધી માતાની અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. આ અખંડ જ્યોતિને પ્રજ્વલ્લિત કરવાના થોડાં નિયમો ઉલ્લેખવામાં આવ્યાં છે. નવરાત્રિમાં જે લોકો ઘરે અખંડ જ્યોત પ્રગટાવે છે તેમણે આ નિયમોનું પાલન કરવું જોઇએ.
અખંડ જ્યોતની વિધિઃ-
1. ચૈત્ર નવરાત્રિના પહેલાં દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે સ્નાન કર્યા બાદ સાફ વસ્ત્ર ધારણ કરવા અને માતાની ચોકીની સ્થાપના કરવી.
2. ચૈત્ર નવરાત્રિએ સૌથી પહેલાં નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ લેવો. આ જ્યોતિ નવ દિવસ સુધી પ્રજ્વલ્લિત રહેવી જોઇએ.
3. ત્યાર બાદ માતાની ચોકીની સ્થાપના કર્યા બાદ તેના ઉપર ચોખાથી અષ્ટદળ કમળ બનાવવું.
4. અષ્ટદળ કમળ બનાવીને અખંડ જ્યોત માટે એક તાંબાનું કે માટીનું પાત્ર લેવું. જો તમે માટીનું પાત્ર લેતાં હોવ તો તેમાં અખંડ જ્યોત પ્રગટાવવાના 24 કલાક પહેલાં પાણીમાં પલાળી દેવું.
5. ત્યાર બાદ આ પાત્રને અષ્ટદળ કમળની વચોવચ રાખી દેવું. જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો માતા દુર્ગાની જમણી બાજુ અખંડ જ્યોત પ્રગટાવો અને તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો તો માતા દુર્ગાની ડાબી બાજુ પ્રગટાવવો જોઇએ.
6. આ પાત્રને અષ્ટદળ કમળ ઉપર રાખ્યા બાદ સવા હાથ લાંબો સૂતરનો દોરો અથવા મોલી લો. આ દોરાને અખંડ જ્યોતિના પાત્રમાં રાખી દો.
7. ત્યાર બાદ માતા દુર્ગાના મંત્રનો જાપ કરીને તે અખંડ જ્યોતને પ્રગટાવો. અખંડ જ્યોતિની ચારેય બાજુ ફૂલ ચઢાવો.
8. જ્યારે તમે અખંડ જ્યોતિ પ્રગટાવી લો ત્યારે નવ દિવસ સુધી આ અખંડ જ્યોતિ પાસે કોઇને કોઇ વ્યક્તિએ રહેવું અને જ્યોતિ ઓલવાઇ જાય નહીં તેનું ધ્યાન રાખવું.
9. જો તમારી જ્યોતિની વાટ ઘટી રહ હોય તો પહેલાં એક દીવો પ્રગટાવી લેવો. ત્યાર બાદ અખંડ જ્યોતિને ઠીક કરો. જેનાથી અખંડ જ્યોત ઓલવાઇ જાય તો પણ તે ખંડિત થશે નહીં.
10. ત્યાર બાદ છેલ્લાં દિવસે નવરાત્રિએ માતાના પૂજન બાદ પણ તેને પ્રજ્વલ્લિત રહેવા દો.