ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના રાજકીય સમીકરણો અને ચોકઠાં ગોઠવવાની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપે સાગમટે સામૂહિક નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના નેતૃત્વ સાથે ભાજપ ચૂંટણીમાં ઝંપલાવશે. તો બીજી તરફ કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવ્યા અને સુખરામ રાઠવાને વિધાનસભાના વિપક્ષી નેતા બનાવ્યા છે જ્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ફૂલટાઈમ સક્રીય થઈ ગયા છે તો સાથો સાથ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કોગ્રેસને મજબૂત કરવાની દિશામાં પહેલ કરી છે.
2017ની ચૂંટણી પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ વોટ શેરમાં વધારા સાથે સાદી બહુમતી મેળવી હતી. બેઠકોની સંખ્યામાં ઘટાડો સહન કરવા છતાં, ભાજપે સાદી બહુમતી સાથે સરકાર બનાવી હતી. 2012ની ચૂંટણી કરતાં કોંગ્રેસ માટે વોટ શેર અને બેઠકોની સંખ્યામાં વધારો થયો હતો. છેલ્લા 32 વર્ષમાં કોંગ્રેસ દ્વારા જીતવામાં આવેલી આ સૌથી વધુ બેઠકો હતી (1985ની ચૂંટણી પછી, જેમાં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી). આગામી ચૂંટણી ડિસેમ્બર 2022માં યોજાવાની છે.
2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ સદીનો આંકડો વટાવી શક્યું ન હતું. 99 સીટ પર આંકડો આવી ગયો હતો. 2012ની ચૂંટણીમાં ભાજપે 115 સીટ જીતી હતી અને 2017માં ભાજપને 16 સીટનું નુકશાન થયું હતું. ભાજપને આવી ફાઈટ 32 વર્ષ પછી કોંગ્રેસે આપી હતી. કોંગ્રેસની ફાઈટમાં ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય સામાજિક આંદોલનનો મોટો સિંહફાળો રહ્યો હતો અને ભાજપ વિરોધી લહેર ઉભી થઈ હતી પણ સત્તા સુધી પહોંચવા કોંગ્રેસનો પનો ટૂંકો પડ્યો હતો.
ગુજરાતની વસ્તીની વાત કરીએ તો 48 ટકા ઓબીસી, 14.75 ટકા આદિવાસી, 11 ટકા પાટીદાર, પાંચ ટકા ક્ષત્રિય, નવ ટકા મુસ્લિમ, સાત ટકા દલિત અને અન્ય જાતિઓના લોકો 5.25 ટકા છે. કોંગ્રેસ ઓબીસી અને આદિવાસી કોમ્બિનેશન આપ્યું છે. જગદીશ ઠાકોર ઓબીસી સમાજમાંથી આવે છે જ્યારે સુખરામ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે.
2017માં કોંગ્રેસે સોશિયલ એન્જિનિયરીંગમાં ભાજપને મહાત કર્યો હતો અને એની પાછળના પ્રમુખ કારણો પૈકીના કેટલાક કારણોમાં પાટીદાર અનામત આંદોલન, અલ્પેશ ઠાકોરનું વ્યસન મૂક્તિ આંદોલન, જિજ્ઞેશ મેવાણીનું ન્યાય આંદોલન વગેરેનો મોટો સિંહફાળો રહ્યો હતો. ભરતસિંહ અને હાર્દિકની જોડી કોંગ્રેસને 77 બેઠક સુધી લઈ ગઈ હતી. બાદમાં બળવો થતાં આ આંકડો ઘટી ગયો.
2022માં ફરી એક વાર આ જોડી કામે લાગી છે. ભાજપના 182 બેઠક હાંસલ કરવાના લક્ષ્યની સામે કોંગ્રેસે 125 સીટ હાંસલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. તો શું ફરી એક વાર આ જોડી વિધાનસભાની ચૂંટણીમાં સફળ થશે કે કેમ, એ તો સમય જ કહેશે.