ગુજરાત કોંગ્રેસમાં એક તરફ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાનો પદ ગ્રહણ સમારંભ ચાલી રહ્યો હતો તો બીજી તરફ દિલ્હીથી કોંગ્રેસને ઝટકો આપે તેવા ન્યૂઝ આવ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા સાગર રાયકાએ કોંગ્રેસને છોડીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં સાગર રાયકા ભાજપમાં જોડાયા છે.
ભાજપના સાંસદ વિનોદ ચાવડા સાથે દિલ્હી ગયેલા સાગર રાયકાએ ભગવો ખેસ ધારણ કર્યા બાદ મીડિયાને જણાવ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વની કટોકટી છે. ઘણી વિનાના ઢોલ જેવી સ્થિતિ છે. કોંગ્રેસ તેના સિદ્વાંતો પ્રમાણે ચાલતી નથી, સંવિધાન પ્રમાણે ચાલતી નથી. જે કોંગ્રેસના બંધારણમાં નથી તેનાથી વિરુદ્વ નિમણૂંક કરવી તે માટે આશા રાખી શકાતી નથી. દિશા સૂચન નથી.
તેમણે કહ્યું કે પસંદગી કરવાની સિસ્ટમ ખોટી છે. કન્સલટેશન અધુરું છે. કેટલાક મનઘડત લોકોના ભેજાની વાત સ્વીકારવી એક પાર્ટી માટે નુકશાનની વાત છે. છેલ્લા ઘણા વર્ષોથી એકને જ ચાન્સ મળે.
સાગર રાયકાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસમાં મનફાવે તેવા નિર્ણય લેવામાં આવે છે અને કોંગ્રેસમાં નેતૃત્વનું સંકટ છે. પાર્ટીમાં નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ભાજપ દ્વારા મને જે જવાબદારી સોંપવામાં આવશે તેને નિભાવવામાં આવશે. ઉત્તર ગુજરાતનાં દિગ્ગજ નેતાઓ પૈકીનું સૌથી મોટું નામ સાગર રાયકાનું છે. તેઓ ઓબીસી સમાજમાં મજબુત પકડ ધરાવતા નેતા છે.