હાલમાં હેડક્લાર્કની સરકારી પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ પણ આકરા પાણીએ આવી છે. અને આ મામલે સરકારની બેદરકારીનાં આરોપ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ત્રિકોણબાગ ખાતે કોંગી આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. જો કે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.
રાજકોટ શહેરનાં ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસનાં શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર સહિતનાં આગેવાનો – કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને પેપરલીક કૌભાંડને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ‘પેપર કૌભાંડ બંધ કરો, બંધ કરો’ અને ‘ચોકીદાર ચોર હે’ સહિતના વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ ગુજરાતની પેપર ફોડો યોજનાનું મોટું બેનર બનાવવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં લીક થયેલા પેપર અંગેની વિગતો દર્શાવી વિરોધ કરાયો હતો.
કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને કોંગ્રેસનાં દેખાવો શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પોલીસ દ્વારા કોંગ્રેસનાં તમામ આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી.