ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે માત્ર 10-11 મહિનાનો સમયગાળો રહ્યો છે ત્યારે ગુજરાતના રાજકારણમાં નીત-નવા સમીકરણોની ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમાંતરે ગુજરાતમાં એનસીપી પણ મહત્વનું ફેક્ટર બની રહેનારી છે. એનસીપી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવીને મેદાનમાં ઉતરશે એવું એનસીપીના સૂત્રો જણાવી રહ્યા છે.
એનસીપીના વર્તુળોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીનું ગઠબંધન ચાલી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં સરકારમાં બન્ને પક્ષોની ભાગીદારી પણ છે. મહારાષ્ટ્રની ફોર્મ્યુલા પ્રમાણે ગુજરાતમાં પણ એનસીપી-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર છે.
ગુજરાત એનસીપી માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફૂલ પટેલ અને ગુજરાત રાકોપાના પ્રમુખ જયંત પટેલ(બોસ્કી) અને એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલ દ્વારા રાજ્યભરમાં સંગઠનને મજબૂત કરવા માટે પ્રોગ્રામ આપવામાં આવ્યા છે અને એનસીપીનું ગુજરાત યુનિટ નવા વર્ષથી ગુજરાતમાં સંગઠનલક્ષી કાર્યક્રમો આપવા જઈ રહ્યું છે.
ગુજરાતની 182 વિધાનસભા પૈકી એનસીપી દ્વારા ગઠબંધનમાં કેટલીક બેઠકો પર સહમતી સધાય અને કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તેના માટેની ફોર્મ્યુલને નવા વર્ષમાં જ આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતા છે. એનસીપીના સૂત્રો ગુજરાતમાં આપને પણ ગઠબંધનમાં જોડી ગુજરાતમાં વિપક્ષોના ગઠબંધન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.