ગાંધીનગર – ગુજરાતમાં કોરોનાનો કહેર શરૂ થયો છે અને અમદાવાદની સ્થિતિ ગંભીર બની રહી છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે રાજ્યના ગ્રામ્ય વિસ્તારો પણ હવે ઝપટમાં આવતા જાય છે. રાજ્યના ચાર મેટ્રોસિટી ઉપરાંત હવે રાજ્યના 33 જિલ્લા પૈકી 17 જિલ્લામાં કોરોના ફેલાયો છે. રાજ્યમાં વિક્રમી 19 પોઝિટીવ કેસ સાથે કુલ કેસનો આંકડો 165 પહોંચી ગયો છે.
અમદાવાદમાં આજે વધુ 13 કેસો સામે આવ્યા છે. પાટણ, ભાવનગર, આણંદ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયો છે. આ તમામ કેસો લોકલ ટ્રાન્સમિશનના છે. રાજ્યમાં મોતનો આંકડો 12 ઉપર સ્થિત છે અને રાજકોટમાં વધુ એક દર્દીને રજા આપવામાં આવી છે. ચાર વ્યક્તિને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં હજી 10133 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે જ્યારે 935 સરકારી અને 218 પ્રાઇવેટ હોસ્પિટલોમાં ક્વોરેન્ટાઇન થયેલા છે.
ગુજરાતમાં સૌથી વધુ 77 કેસો અમદાવાદમાં નોંધાયા છે. બીજાક્રમે 19 સાથે સુરતનો ક્રમ આવે છે. રાજકોટમાં 10, વડોદરામાં 12, ગાંધીનગરમાં 13 અને ભાવનગરમાં 14 કેસો સ્થિર છે. લોકલ ટ્રાન્સમિશનના કેસોની સંખ્યા 100 ઉપર પહોંચી છે.