તમારા જીવનમાં જો તણાવ, ક્લેશ, કોઇપણ પ્રકારની ચિંતા કે દુઃખ હોય તો વૃક્ષશાસ્ત્રમાં જણાવેલા પાંચ ફૂલના છોડને જો ઘરના આંગણામાં ઉગાડશો તો સર્વ તકલીફ દૂર થશે. જો ફ્લેટમાં રહેતા હોવ તો બાલ્કનીમાં કૂંડામાં પણ ઉગાડી શકો છો. અને જે ફૂલનાં ઝાડ હોય તેવાં ફૂલને તોડીને તેને ઘરમાં કાચના પાત્રમાં પાણી ભરીને રાખવાથી પણ ઘણો લાભ થશે અને તમારા જીવનના દરેક સંતાપ આ ઉપાય અજમાવવાથી ચોક્કસપણે જતા રહેશે. વળી આનાથી મન પણ શાંત રહેશે, તમે પ્રસન્ન રહી શકશો અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ પણ રહેશે.
ચંપાના ફૂલ
ચંપા માટે આપણાં શાસ્ત્રમાં એક સુંદર શ્લોક આલેખવામાં આવ્યો છે, ચંપા તુજ મેં તીન ગુણ – રંગ, રૂપ ઔર વાસ, અવગુણ તુજમે એક હી કી ભંવર ન આયે પાસ. રૂપ તેજ તો રાધિકે, અરુ ભંવર કૃષ્ણ કો દાસ, ઇસ મર્યાદા કે લીયે ભંવર ન આયે પાસ. મતલબ કે હે ચંપા, તારામાં ત્રણ ગુણ સમાયેલા છે, તારું રૂપ, તારો રંગ અને તારી સુવાસ. બસ, તારો એવો ગુણ માત્ર એક જ છે કે તારી પાસે ભમરા નથી આવતા, પરંતુ તેની પાછળનું કારણ પણ એ જ છે કે તું રાધા જેવો સ્વરૂપવાન છે અને ભમરા તો કૃષ્ણના દાસ હોવાથી તે તારી પાસે નથી આવતા. કહેવાય છે કે ચંપામાં પરાગ નથી હોતા, એટલે તેની પાસે મધમાખી નથી આવતી. ચંપાને કૃષ્ણનું પ્રિય ફૂલ ગણવામાં આવ્યું છે. ચંપાને કામદેવનાં પાંચ ફૂલોમાંથી પણ એક ગણવામાં આવ્યું છે. વૃક્ષશાસ્ત્રની દૃષ્ટિએ ચંપો એ સૌભાગ્યનું પ્રતીક છે તેથી દરેક સૌભાગ્યવતી સ્ત્રીએ પોતાનું સૌભાગ્ય અખંડ રહે તે માટે ઘરમાં ચંપાનાં ફૂલ અચૂક રાખવાં.
પારિજાતના ફૂલ
પારિજાતના ફૂલને હરસિંગાર કે શેફાલિકા પણ કહેવામાં આવે છે. પારિજાતનાં ફૂલ ઘરમાં રાખવાથી તે જીવનનો તણાવ, તકલીફ, ટેન્શન દૂર કરીને ખુશી લાવે છે. પારિજાતનાં ફૂલો રાત્રે ખીલીને સવારે ઝાડ ઉપરથી જાતે જ ખરી જાય છે. વૃક્ષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષને અડવામાત્રથી માણસનો થાક દૂર થઇ જાય છે.
હરિવંશ પુરાણમાં આ ફૂલોનું વિશેષ મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. કહેવાય છે કે ઘરમાં લક્ષ્મીપૂજન કરતાં હોવ તો પારિજાતનાં ફૂલને ખાસ દેવી લક્ષ્મીનાં ચરણોમાં અર્પણ કરવાં જોઇએ. પણ એવાં જ ફૂલને ચડાવવાં જે જાતે જ તેના ઝાડ ઉપરથી ખરી પડયાં હોય. ઘરઆંગણે પારિજાતનું વૃક્ષ ઉગાડવાથી ઘરમાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
રાતરાણીનાં ફૂલ
આ ફૂલને ચાંદનીના ફૂલના નામે પણ ઓળખવામાં આવે છે. રાતરાણીનાં ફૂલની સુગંધ અત્યંત મોહક હોય છે. આ ફૂલને વૃક્ષશાસ્ત્રમાં ખૂબ જ શુભ ગણવામાં આવ્યાં છે. કહેવાય છે કે આ ફૂલ વિષ્ણુ ભગવાનને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે જે ઘરમાં ઘરના સભ્યોની તબિયત અવારનવાર બગડતી હોય તેમણે પોતાના ઘરમાં એક કાચના પાત્રમાં પાણી ભરીને રાતરાણીના ફૂલ રાખવાં જોઇએ તેમજ ઘરના આંગણામાં રાતરાણીનો છોડ ઉગાડવાથી પણ ખૂબ ફાયદો થાય છે. આ સિવાય બીજાં ફૂલ છે જેને ઘરમાં રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થશે, તે વિશે આપણે આવતા અંકમાં વાત કરીશું.