સુરતમાં સ્વામી નારાયણના સાધુનાં કેસમાં સમાધાનની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો બોટાદના બરવાળા તાલુકામાં સાધુ દ્વારા કામ કરવા આવતી સગીરા પર દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સાધુની ધરપકડ કરી છે. આ ઘટનામાં પણ સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુની સંડોવણી ખુલી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોટાદના બરવાળા તાલુકાના રોજીદ ગામમાં સ્વામી નારાયણનું આશ્રમ આવેલું છે. આશ્રમમાં કામ કરવા આવતી સગીરાને પટલાવી, ફોસલાવીને સાધુ ઋષિ પ્રસાદદાસ રામજીદાસ દ્વારા આશરે ત્રણેક મહિના પહેલાં આ જ વિસ્તારની સગીરાને આશ્રમમા ઝાડુ-કટાકા મારવા માટે નોકરી પર રાખવામાં આવી હતી. સાધુ દ્વારા માત્ર આશ્રમ જ નહી પણ ઘરે પણ ઝાડુ-વાસણ કરવા માટે બોલાવવામાં આવી હતી.
એક દિવસ લાગ જોઈને સાધુએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી અને ત્યાર બાદ સતત ત્રણથી ચાર દિવસ સુધી સાધુએ પોતાની હવસ સંતોષી હતી. સગીરાને સાધુ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. સગીરાની મરજી વિરુદ્વ સાધુ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઉપરાંત સગીરા જ્યારે શાક માર્કેટમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પણ સાધુએ તેને આંતરીને કહ્યું હતું કે ઝાડુ-કટકા કરવા કેમ આવતી નથી. અવારનવાર સાધુ સગીરાનો પીછો કરતો હતો.
હેબતાઈ ગયેલી સગીરાએ ઘરના લોકોને સાધુ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની જાણ કરી હતી. ઉશ્કેરાયેલા ઘરનાં લોકોએ સાધુને પોલીસના હવાલે કર્યો હતો અને સાધુ વિરુદ્વ બળાત્કારની ફરીયાદ દાખલ કરી હતી. પોલીસે સાધુ ઋષિદાસની ધરપકડ કરી હતી.