પોલિટિકલ ડેસ્ક : છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી એ ભાજપે આજે ગુજરાતમાં આગામી મહિનામાં યોજાનાર 6 બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
જેમાં અપેક્ષા મુજબ પક્ષમાં આંતરિક વિરોધ છતાં ભાજપે રાધનપુર અને બાયડમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા અલ્પેશ ઠાકોર(રાધનપુથી ) અને ધવલસિંહ ઝાલાને (બાયડથી) ટિકિટ આપી છે. અમરાઈવાડી વિધાનસભા બેઠક પર નવા ચહેરાને ટિકિટ મળવાની આશંકા વચ્ચે અનુભવી જગદીશ પટેલ બાજી મારી ગયા છે તો લુણાવાડા બેઠક પર જગદીશ સેવકને ટિકિટ મળી છે. ખેરાલુ બેઠક પર અજમલ ઠાકોરને ટિકિટ મળી છે.
સૌના આશ્ચર્ય વચ્ચે થરાદ બેઠક પર ભાજપે જીવરાજભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે. અત્યાર સુધી થરાદમાં ભાજપના કદાવર નેતા શંકર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય પરબત પટેલના દીકરા શૈલેષ પટેલ ટિકિટ માટેના પ્રબળ દાવેદાર હતા પણ હંમેશની જેમ ભાજપ મોવડી મંડળે નવું નામ જાહેર કરીને ચોંકાવ્યા છે.News Time 1:25AM