ગાંધીનગર – ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયને મોટો ફટકો પડ્યો હોઇ એસોસિયેશન તરફથી વિવિધ માગણીઓ કરવામાં આવે છે. હવે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટને એસેન્શિયલ કેટેગરીમાં ગણવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત ચેમ્બરની રજૂઆત છે કે જો હોટેલ ઉદ્યોગ કોરોનાથી બચવા માટેના સરકારી નિયમોનું પાલન કરીને પણ શરૂ કરાવવામાં આવે તો તેની સાથે સંકળાયેલા ઘણા વેપાર ઉદ્યોગોને વેગ મળશે અને અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમજીવીઓ પરત જવાને બદલે ગુજરાતમાં રોકાઇ શકશે. બીજી તરફ હોટલ વ્યવસાય સાથે જોડાયેલી રોજગારી જળવાઇ રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, “રાજ્યભરમાં હોટેલ રેસ્ટોરન્ટ છેલ્લા દોઢ મહિનાથી સંપૂર્ણ બંધ છે. આ પરિસ્થિતિમાં તેમની સાથે જે સામગ્રીનો જથ્થો છે કે બગડી જવાની સંભાવના હોવાથી હોટેલ, રેસ્ટોરન્ટને આવશ્યક સેવામાં ગણવામાં આવે તો તેમને રાહત થઈ શકે તેમ છે. જો પરવાનગી આપવામાં નહીં આવે તો આ સેક્ટરમાં બેકારી વધવાનો મોટો ભય છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરીને પણ ઉદ્યોગોને શરૂ કરાવવામાં આવે તો તેમની સાથે સંકળાયેલા અનાજ કરિયાણું, મસાલા, શાકભાજી, દૂધ અને તેની બનાવટો બનાવતા ઉદ્યોગોને પણ લાભ થશે.” એકલા અમદાવાદમાં 5000થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ આવેલી છે જે અત્યારે ત્રીજા તબક્કાના લોકડાઉનમાં પણ બંધ છે.
ગુજરાતમાં કેન્દ્રની સૂચના હોવા છતાં ગ્રીન કે ઓરેન્જ ઝોનમાં ઇ-કોમર્સ કંપનીઓને પણ પરવાનગી આપવામાં આવી નથી. એટલું જ નહીં અન્ય દુકાનોને ખોલવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ખાસ કરીને રાજ્યના છ મોટા શહેરોમાં લોકડાઉન કરતાં પણ વધારે કડકાઇથી પાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં કોરોના સંક્રમણ વધતાં શહેરના તમામ માર્ગો બંધ કરી ચેકપોસ્ટ બનાવી દેવામાં આવી છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.