ગાંધીનગર – ગુજરાતમાં મહાનગરોની ચૂંટણી પહેલાં ભાજપ વિસ્તારોની હદ વધારી શકશે નહીં. કોરોના સંક્રમણના કારણે ભાજપના પ્લાન ફેઇલ થઇ ગયા છે.
રાજ્યના આઠ મહાનગરોમાં હદ વધાર્યા વિના ચૂંટણી કરવી પડશે જે ભાજપને મોટું નુકશાન કરાવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના શહેરી વિકાસ વિભાગે તમામ આઠ મહાનગરોને પત્ર લખી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોના વિલયનો પ્રસ્તાવ મોકલવાની સૂચના આપી હતી. આ પ્રસ્તાવ મે મહિનામાં મળી જવા જોઇતા હતા પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે મહાનગરોના વહીવટી તંત્ર તે કામ કરી શક્યા નથી અને હવે સમય ઓછો છે તેથી આ યોજના પડતી મૂકવી પડે તેમ છે.
શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે હવે રાજ્યના ચૂંટણી પંચ પાસે સમય નથી તેથી મહાનગરોની હદ વધારવાનો નિર્ણય પડતો મૂકવો પડે તેમ છે. સરકાર કે મુખ્યમંત્રી કહે તો પણ હવે આ પ્રોસિઝર થઇ શકે તેમ નથી, કારણ કે લોકો પાસેથી વાંઘા અને સૂચનો મંગાવવા બે થી ત્રણ મહિનાનો સમય જોઇએ જે કોરોના સંક્રમણના કારણે મળી શકે તેમ નથી.
રાજ્ય સરકારનું પ્લાનિંગ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં બહારના વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવાની દરખાસ્ત તૈયાર કરવાની થતી હતી. રાજ્યમાં જૂનાગઢને બાદ કરતાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ આ વર્ષે યોજાનારી છે. રાજ્ય સરકારના લક્ષ્યાંક પર કોરોના સંકટે પાણી ફેરવી દીધું છે. હવે આ વર્ષના અંતે આ સંશોધન વિના ચૂંટણીઓ થાય તેવી સંભાવના છે.