વર્ષની ચોથી ગ્રાન્ડસ્લેમાં શનિવારે 23 ગ્રાન્ડસ્લેમની વિજયના અનુભવ સાથે પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોંચેલી 19 વર્ષિય યુવાન લોહી સાથે મહિલા સિંગલ્સનો ફાઇનલ જંગ ખેલાશે. શનિવારની આ ફાઇનલમાં અમેરિકાની સ્ટાર ખેલાડી અને 10મી વાર યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચેલી સેરેના વિલિયમ્સની નજર 24 ગ્રાન્ડસ્લેમ ટાઇટલની વિક્રમી બરોબરી પર છે તો પહેલીવાર કોઇ ગ્રાન્ડસ્લમે ફાઇનલમાં પહોંચેલી 19 વર્ષિય બિયાન્કા એન્દ્રેસ્કૂની નજર ઇતિહાસ રચવા પર સ્થિર છે.
સેરેના 24મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને માર્ગારેટ કોર્ટના વિક્રમની બરોબરી કરવા માગે છે. ગુરૂવારે તેણે યુક્રેનની એલિના સ્વિતોલીનાને 6-3, 6-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જયારે બીજી સેમી ફાઇનલમાં બિયાન્કાએ બેલિન્ડા બેનસિચને 7-6, 7-5થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જો બિયાન્કા એન્દ્રીસ્કૂ શનિવારની ફાઇનલમાં સેરેનાને પછાડીને ચેમ્પિયન બનશે તો તે મારિયા શારાપોવા પછી આ ટાઇટલ જીતનારી સૌથી યુવા મહિલા ખેલાડી બની જશે. શાપાપોવાએ 2006માં યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું.
સેરેનાનો સામનો કરવા ઘણી ઉત્સુક છું : બિયાન્કા એન્દ્રીસ્કૂ
કેનેડાની 19 વર્ષિય બિયાન્કા એન્દ્રીસ્કૂ એક મજબૂત મુકાબલામાં બેલિન્ડા બેનસિચને હરાવીને યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચી છે, જ્યાં તેનો સામનો સેરેના વિલિયમ્સ સાથે થવાનો છે. એન્દ્રીસ્કૂએ સેમી ફાઇનલ જીત્યા પછી કહ્યું હતું કે અમેરિકાની મહાન ખેલાડી સેરેનાનો સામનો કરવા હું ઘણી ઉત્સુક છું. યૂજીની બુચાર્ડ પછી ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોચનારી એન્દ્રીસ્કૂ બીજી કેનેડિયન ખેલાડી છે. બુચાર્ડ 2014માં ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોંચી હતી.
સેરેના સામે સેમીમાં હારેલી સ્વિતોલીના રેન્કિંગમાં ત્રીજા ક્રમે પહોંચશે
યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પહોંચેલી યુક્રેનની એલિના સ્વિતોલીના ભલે સેરેના વિલિયમ્સ સામે હારી ગઇ હોય, પણ તેણે યુએસ ઓપનમાં તેનાથી દિગ્ગજ મહિલા ખેલાડીઓને પછાડીને સેમી ફાઇનલ સુધીનો પ્રવાસ ખેડ્યો છે અને તેના કારણે સોમવારે જાહેર થનારા રેન્કિંગમાં તે ત્રીજા સ્થાને પહોંચી જશે અને તે તેની કેરિયર બેસ્ટ રેન્કિંગ બનશે.