આજે ભાદરવી પૂનમ છે, ત્યારે કોરોના કાળ વચ્ચે જગતજનની મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો. જ્યાં દરવર્ષે સેંકડો પદયાત્રા કરીને શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં આ વર્ષે માત્ર ગણતરીના લોકો જ ઉપસ્થિત રહ્યા અને મેળો સંપન્ન થયો હતો. જોકે તેનાથી સ્થાનિકોએ મોટુ આર્થિક નુકશાન થયું છે.જ્યાં દર વર્ષે હૈયે હૈયુ દળાય અને ચાચર ચોકમાં ગરબા ગાઈ માને કાલાવાલા થતા, હોય તેવા ભાદરવી પૂનમના મેળા પર કોરોના કાળનું ગ્રહણ જોવા મળ્યુ હતું. ભાદરવી પૂનમનો મેંળો રદ થતા સૌથી કફોડી સ્થિતિ સ્થાનિક દૂકાનદારો, શ્રમિકોની થઈ છે. કારણ કે અગાઉ જ લોકડાઉનના કારણે અંદાજે 50 કરોડનું ખોટ વેઠતા સ્થાનિકોને ભાદરવી પૂનમ સુધી સ્થિતિ યથાવત થવાની આશા હતી.
પરંતુ મેળો બંધ રખાતા હોટલ રેસ્ટોરન્ટ આ તમામના રોજગાર ધંધા પડી ભાંગ્યા છે. હોટલ ખાલી ખમ જોવા મળી. તો બજારમાં પણ સામાન્ય ચહલ પહલ જ જોવા મળી હતી.ભાદરવી પૂનમનો મેળો ન આયોજિત થતા અંબાજીમાં અંદાજિત 10 કરોડથી વધુનું નુકસાન છે અને હવે સ્થાનિક વેપારી વર્ગ પણ મા અંબા કોરોનાની મહામારીને જલદીથી ખતમ કરે અને વેપાર-ધંધા શરૂ થાય તેવી આશ લગાવી બેઠા છે. અનેક ભક્તો એવા છે કે જે ભાદરવી પૂનમે જ અંબાજી મંદિર બંધ રહેવાથી દુઃખી જોવા મળ્યા હતા. તો સાથે જ ગબ્બર ગોખ પણ શ્રદ્ધાળુ વગર સુમસામ જોવા મળ્યો હતો. જોકે સેંકડો ભક્તોએ ઓનલાઈન દર્શન કરીને પણ સંતોષ માન્યો હતો.