ગાંધીનગર – કોરોના વાયરસનું સંક્રમણ ટાળવા માટે લોકોએ એલોપથીને દૂર રાખીને બીજી બે પદ્ધતિઓ અપનાવી છે. ગુજરાતમાં સામાન્ય લોકોએ તેમના રોજીંદા જીવનમાં આયુર્વેદ અને હોમિયોપથીને પ્રાધાન્ય આપ્યું છે. ખાસ કરીને ગરમ પાણી તેમજ ગોલ્ડન મિલ્કને લોકોએ અપનાવ્યું છે.
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું છે કે રાજ્યમાં ક્વોરેન્ટાઇન કરાયેલા 91341 લોકોએ આયુર્વેદ અને હોમિયોપથી ઉપચારનો સહારો લીધો છે. ખુદ ડોક્ટરો કહે છે કે ડેન્ગ્યુની કોઇ દવા નથી. માત્ર મોસંબીનો જ્યુસ તમને સાજા કરી શકે છે તેમ કોવિડની પણ હાલ કોઇ દવા નથી. ઇમ્યુનિટી જ તમને સાજા રાખી શકે છે. ક્વોરેન્ટાઇન કરાયેલા 91000 વ્યક્તિ પૈકી માત્ર 15 વ્યક્તિના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. એટલે કે બાકીની વ્યક્તિઓને આયુર્વેદની પદ્ધતિને કારણે સંક્રમણ થયું નથી. શરીર તંદુરસ્ત હશે તો કોઇ રોગ શરીરમાં આવી શકશે નહીં.
ગુજરાતમાં આશ્ચર્ય સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે ઉકાળા અને શમશમવટીનો ઉપયોગ લોકોએ વધાર્યો છે. રાજ્યમાં દોઢ મહિનામાં 1.18 કરોડ લોકોએ ઉકાળા પીધા છે. 3.08 લોકોએ શમશમવટી અને 83 લાખ લોકોએ હોમિયોપથીની આર્સેનિક આલ્બમ-30 દવાનું સેવન કર્યું છે અને ઇમ્યુનિટી વધારી છે.
કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથી દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે.
નોવેલ કોરના વાયરસનું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના સંક્રમણથી વિશ્વભરની આખી માનવજાત પીડાઈ રહી છે ત્યારે શરીરની કુદરતી રોગ પ્રતિકારક શકિતને વધારવી એ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે.
આયુર્વેદ અને હોમિયોપેથી મેડીકલ ઓફીસર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગ, પોલીસ ખાતા, કલેકટર કચેરી, વિવિધ વહીવટી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી તેમજ કર્મચારીઓની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ-આર્સેનિકમ આલ્બમ-30નું સ્થળ પર જઈને વિતરણ કરવામાં આવ્યું છે.
રાજય સરકારના 568 આયુર્વેદ દવાખાના, 38 આયુર્વેદ હોસ્પીટલ અને 272 હોમીયોપેથી દવાખાનામાં આ દવાઓ ઉપલબ્ધ છે. આ દવાખાના/હોસ્પીટલ કયાં આવેલ છે તેની જાણકારી માટે હેલ્પલાઈન નંબર 104 ઉપરથી જાણી શકાય છે.