બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકાવાડામાં રવિવારે 501 દંપતીઓએ ગામની સ્મશાનભૂમિ, મંદિરની ભૂમિ અને ગામની તમામ જગ્યાએ વૃક્ષની પૂજા-અર્ચના કરી દંપત્તિ દીઠ એક-એક વૃક્ષની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ વૃક્ષનું જતન કરવાની જવાબદારી ઉઠાવી ગામને હરિયાળું બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.સામાન્ય રીતે ચોમાસાના સમયમાં ઠેરઠેર વૃક્ષારોપણ તો થતું હોય છે પરંતુ વૃક્ષારોપણના કાર્યો બાદ આ વૃક્ષોની મોટાભાગના લોકો દ્વારા દરકાર ન લેવાતા છેવટે વૃક્ષો સુકાઇ જાય છે અને વૃક્ષા રોપણ ફક્ત નામશેષ બની રહે છે. ત્યારે રોપણ કરાયેલા વૃક્ષોને લોકો ભૂલી ન શકે તે હેતુસર 501 દંપત્તિઓએ 2500 વૃક્ષોની પહેલા પૂજા કરી અને તે બાદ આ વૃક્ષોનું રોપણ કર્યું છે. આ વૃક્ષોના જતન માટે તેના ટ્રીગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
