ઓસ્ટ્રેલિયા વિરુદ્વ અબુધાબીમાં ચાલી રહેલી ટેસ્ટ દરમિયાન અઝહર અલી અજબ રીતે રન આઉટ થયો. અઝહર અલીના રન આઉટ થવા અંગે સોશિયલ મીડિયા પર તેની બરાબરની મજાક થઈ.. અઝહર અલીને આ વાતની ચિંતા નથી પણ તેને ચિંતા છે તેનો 10 વર્ષનો પુત્ર ઈબ્તિસામ પણ મજાક કરવાથી પાછળ રહેશે નહીં.
રન આઉટ થયા બાદ અઝહર અલીએ કહ્યું કે રન આઉટ થવાનો અહેસાસ ન હતો. અસદ અને હું બોલના સ્વીંગ થવા અંગે વાત કરી રહ્યા હતા. બોલ પર અમારું ધ્યાન હતું જ નહીં. બાઉન્ડ્રી પાસે જઈને બોલ અટકી પડ્યો તે સમજાઈ ગયું હતું કે હવે કશુંક રમૂજી થવાનું છે. આ વાતને લઈને પણ બધાએ ડ્રેસીંગ રૂમમાં પણ મારી હાંસી ઉડાડવામાં આવી.
66 ટેસ્ટ રમનારા આ ખેલાડીએ પોતાના પુત્રનો ઉલ્લેખ કરી કહ્યું કે હવે મારો 10 વર્ષનો દિકરો પણ મારી મજાક કરશે. જ્યારે પણ મારી સાથે ક્રિકેટની વાત કરશે ત્યારે ત્યારે તે મારા આ રન આઉટ થવા અંગેનો ઉલ્લેખ જરૂર કરશે અને મારી મજાક કરશે. અઝહર અલી બીજી ઈનિંગ્સમાં સારી બેટીંગ કરી રહ્યો હતો. 64 રન બનાવી રન આઉટ થઈ પેવેલિયન ભેગા થઈ જવુ પડ્યું હતું.
શું થયું હતું ખરેખર?
અઝહર અલી સદી તરફ આગળ વધી રહ્યો હતો. તેણે પીટર સિડલની બોલ પર શોટ માર્યો. બોલ તેમના બેટના કિનારા પર લાગી અને ગલીમાંથી નીકળી ગઈ. જોકે, બોલ બાઉન્ડ્રી લાઈન પહેલાં જ અટકી ગઈ. મિશેલ સ્ટાર્કે બોલનો પીછો કર્યો અને વિકેટકિપર ટીન પેન તરફ બોલ ફેંકી. ટીન પેને બોલ પકડી લીધી.
બીજી તરફ અઝહરને લાગ્યું કે બોલ બાઉન્ડ્રી લાઈન પાર કરીને ચોગ્ગો લાગ્યો છે. તે અસદ શફીક સાથે પીચની વચ્ચોવચ વાત કરવા મંડી પડ્યો. પીન ટેને કોઈ પણ ભૂલ કર્યા વગર સ્ટમ્પ ખેરવી લીધા અને અઝહર આવી રીતે રન આઉટ થયો. બોલ આવ્યો ત્યાં સુધી અઝહર અને અસદ તમાશો જોતાં જ રહી ગયા અને બન્ને કશું કરી શક્યા નહી. પોતાને રન આઉટ જોતાં અઝહર નીચી ડોકે પેલેલિયન ભેગો થયો. અઝહરને પણ આવી રીતે રન આઉટ થવા પર જરાય વિશ્વાસ બેઠો નહી.