પોલિટિકલ ડેસ્ક:ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી સાત સીટોની ચૂંટણી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણીની સાથે યોજવામાં આવવાના એંધાણ વર્તાય રહ્યાં છે ત્યારે બંને પક્ષોએ ચૂંટણી જીતવા કમર કસી છે. દર વખતની જેમ ટીકીટ વાંચ્છુક મુરતિયાઓએ ટીકિટ મેળવવા લોબિંગ પણ શરૂ કરી દીધું છે.
તાજેતરમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાં ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાયા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં જોડાનાર અલ્પેશ ઠાકોર ભાજપમાં આવવા માટે લાંબા સમયથી થનગની રહ્યા હતા અને ભાજપ પ્રવેશ બાદ અલ્પેશને મંત્રી બનવાની આશા હતી પણ ભાજપ દ્વારા કોઠું ના આપતાં અલ્પેશની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ છે.
બંનેની અનુક્રમે રાધનપુર તેમજ બાયડ બેઠકો ખાલી પડતાં ત્યાં પણ પેટા ચૂંટણી યોજવામાં આવનાર છે ત્યારે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર ફરીથી ભાજપના નિશાન પર ચૂંટાવા માંગે છે પણ પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ બાહરી અલ્પેશના ખુલ્લા વિરોધમાં છે. બીજી તરફ ભાજપના કદાવર નેતા શંકર ચૌધરી પણ રાધનપુરથી વિધાનસભામાં જવા થનગની રહ્યા છે ત્યારે અલ્પેશને ટિકિટ મેળવવા માટે કપરાં ચઢાણ રહેશે એ તો નક્કી જ છે.
ભાજપમાં પોતાનું કદ વેતરાય ગયું હોવાનું જાણી ગયા બાદ અલ્પેશ ઠાકોરે એક નવી જ ચાલ ખેલીને ભાજપ મોવડી મંડળને અચંબામાં મૂકી દીધું છે. પક્ષ દ્વારા કોઈ ઉમેદવારની જાહેરાત ના કરવામાં આવી હોવા છતાં અલ્પેશ ઠાકોરે સ્વયંભુ પ્રચાર શરૂ કરી દેતાં શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપની અંદર ખળભળાટ મચાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ અલ્પેશની મનમાની સહન કરીને પણ તેને ટિકિટ આપશે કે પછી સ્થાનિક કાર્યકર્તાઓની માંગ સ્વીકારી કોઈ મૂળ ભાજપી નેતાને ટિકિટ આપશે.