ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહ બાદ આણંદ જિલ્લામાં ધીમે-ધીમે શિયાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. જો કે બુધવારના રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૪.૦ સુધી ગગડી જતાં જિલ્લાવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવ્યો છે. ખાસ કરીને મોડી સાંજથી વહેલી પરોઢ સુધી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર પહોંચી છે. આગામી દિવસો દરમ્યાન ધીમે-ધીમે તાપમાનનો પારો હજી નીચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાંં આવી છે.
ઉત્તરભારતમાં થઈ રહેલ હીમવર્ષાને પગલે રાજસ્થાનના મેદાની પ્રદેશો પરથી ઠંડા પવનો ગુજરાત તરફ ફુંકાવાના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધીમે-ધીમે તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે. જો કે ત્રણ દિવસ પૂર્વે વાદળછાયા વાતાવરણના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ૨૦ ડી.સે.ની આસપાસ રહેવા પામ્યો હતો. પરંતુ પવનની ઝડપ વધુ રહેતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી આકાશમાંથી વાદળો હટતાં જ જિલ્લામાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. બુધવારના રોજ લઘુત્તમ તાપમાનનો પારો ૧૪.૦ ડી.સે. સુધી ઉતરી જતા જિલ્લાવાસીઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.
મોડી રાત્રિથી વહેલી પરોઢ સુધી ઠંડીના કારણે જનજીવન પર અસર વર્તાઈ રહી છે. વહેલી પરોઢે શાળા-કોલેજે જતાં બાળકો તેમજ નોકરી-ધંધાર્થે જતા લોકોને ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી રહી છે. બીજી તરફ મજુર વર્ગ પણ ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણાંનો સહારો લઈ રહ્યો છે. ઠંડીની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં આનંંદની લાગણી વ્યાપી છે. ઘઉંના પાક માટે ઠંડી ઉત્તમ હોવાથી ઠંડીના કારણે ઘઉંના પાકની ગુણવત્તા તથા ઉત્પાદન સારું રહેવાની આશા ખેડૂતો રાખી રહ્યા છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૦.૦ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૧૪.૦ ડિ.સે અને સરેરાશ તાપમાન ૨૨.૦ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા, પવનની ઝડપ ૧.૫ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૮.૭ રહેવા પામ્યો હતો. આગામી દિવસો દરમ્યાન ધીમે ધીમે લઘુત્તમ તાપમાનનો પારો નીચે જશે અને ડીસેમ્બર માસના અંત સુધીમાં જિલ્લામાં કાતિલ ઠંડી પડશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.