23 જૂન, અષાઢ મહિનાની બીજથી અમરનાથ યાત્રા શરૂ થશે તેનું સમાપન 3 ઓગસ્ટ, 2020 રક્ષાબંધનના રોજ થશે. જમ્મૂ અને કાશમીરના ઉપરાજ્યપાલ અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ ગિરીશ ચંદ્ર મુર્મૂએ જમ્મૂમાં આયોજિત 37મી બોર્ડ બેઠકમાં આ ત્રણ તારીખની જાહેરાત કરી છે. દર વર્ષે ચોક્કસ સમયગાળા માટે શિવજીની આ ગુફાને દર્શન માટે ખોલવામાં આવે છે. દર વર્ષે અષાઢી પૂનમથી રક્ષાબંધન સુધી શ્રદ્ધાળુઓ અહીં બાબા અમરનાથના દર્શન માટે પહોંચે છે. આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા 21 જૂનના રોજ છે, પરંતુ તે દિવસે સૂર્યગ્રહણ રહેશે. આ કારણે અમરનાથ દર્શન બે દિવસ બાદ 23 જૂનથી શરૂ થશે. જોકે, હાલ અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી તેને લઇને કોઇ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. વર્ષ 2019માં કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો નિર્ણય કર્યો હોવાથી આ યાત્રા અધવચ્ચે જ મોકૂફ રાખી દેવામાં આવી હતી. જેના લીધે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ પરત ફર્યા હતા. આ વખતે યાત્રાને લઈ વિશેષ વ્યવસ્થા કરવા પર ભાર આપવામાં આવ્યો છે. અમરનાથ ગુફાનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. અહીં બરફના પાણીના ટીપા સતત ટપકતા રહે છે, જેથી 10-12 ફૂટ ઊંચું શિવલિંગ બને છે. અમરનાથ શિવલિંગની ઊંચાઈ ચંદ્ર કળાની સાથે વધઘટ થતી રહે છે. પૂનમના દિવસે શિવલિંગ તેના સંપૂર્ણ આકારમાં હોય છે. જ્યારે અમાવાસના દિવસે શિવલિંગનો આકાર નાનો થઈ જાય છે. આવું ચંદ્રના વધવા-ઘટવાના કારણે થાય છે.અમરનાથ ગુફા શ્રીનગરથી આશરે 145 કિલોમીટરના અંતરે છે. આ ગુફા 150 ફૂટ ઊંચી અને આશરે 90 ફૂટ લાંબી છે. આ સ્થાન પર જ ભગવાન શિવે પાર્વતીજીને અમરત્વનું રહસ્ય જ ણાવ્યું હતું. આ ગુફા હિમાલય પર્વત પર આશરે 4000 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ગુફામાં બરફ જામી જવાથી શિવલિંગ તૈયાર થાય છે. આ શિવલિંગ પ્રાકૃતિક રીતે ચોક્કસ સમયગાળા માટે જ બને છે. ગુફામાં શિવલિંગ સાથે શ્રીગણેશ, પાર્વતી અને ભૈરવના હિમખંડ પણ નિર્મિત થાય છે.