2017માં અલ્પેશ ઠાકોરે કોગ્રેસમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં દબદબાભેર એન્ટ્રી કરી હતી. ગાંધીનગરમાં વિશાલ જનાદેશ સંમેલન યોજ્યું હતું અને ભાજપ ડરી ગયું હતું. રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસને છોડી અલ્પેશ ઠાકોરે ભાજપની પ્રદેશ નેતાગીરીથી સાથે તડજોડ કરી. કોંગ્રેસમાં રાહુલ ગાંધી સાથે સીધી વાત થતી હતી પણ ભાજપમાં અલ્પેશ ઠાકોરે પ્રદેશ નેતાગીરી પર નિર્ભર રહેવાનો વારો આવ્યો. ભાજપમાં પ્રવેશ કરતી વેળા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતા અને જીતુ વાઘાણીની જ ભરચક કોશીશો હતી કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ મળે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રમુખ હતા અને ભાજપમા પ્રદેશ પ્રમુખ હતા. બન્ને પાર્ટીઓની એન્ટ્રી વચ્ચે આટલો મોટો ફરક છે.
કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરનું રાષ્ટ્રીય કદ વધ્યું હતું, જ્યારે ભાજપ અલ્પેશ ઠાકોરને શું આપે છે તે જોવાનું રહે છે. કોંગ્રેસમાં આવતાં જ અલ્પેશ ઠાકોરને સાત હોદ્દા પ્લસ ધારાસભાની ટીકીટ અને તેમના કહેવાથી અન્ય લોકોને પણ ટીકીટ આપવામાં આવી હતી.
એક તરફ અલ્પેશ ઠાકોર રાષ્ટ્રીય રાજકારણમાં ડગ માંડી રહ્યા હતા ત્યાં તો તેમણે જાતે બ્રેક મારી દીધી. યૂ-ટર્ન લેવાનો કોઈ સ્કોપ રાખ્યો નહીં અને ધડાધડ નિર્ણયો લેવા માંડ્યા અને તેના પરિણામો સામે છે. ભાજપે અલ્પેશ ઠાકોરેને રાધનપુરથી ટીકીટ આપી પણ ચૂંટણી હારી ગયો. હાર બાદ કોંગ્રેસ સમોવડું રાજકીય વજન અને કદ તો ભાજપમાં મળ્યું નથી. જોકે, હાલ તેમને રાજકીય રીતે લિફ્ટ આપવામાં આવી રહી છે. કારણ કે ભાજપને ક્ષત્રિય અને ઠાકોર વોટમાં મજબૂતી હાંસલ કરવી છે.
કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને લાંબી રેસનો ઘોડો માનવામાં આવતા હતા અને તે પ્રમાણે પાર્ટીમાં પ્રોજેક્શન પણ મળ્યું હતું. ખાસ કરીને યુવા નેતા તરીકે અલ્પેશ ઠાકોર માટે કોંગ્રેસની ચોક્કસ રણનીતિ હતી પણ કોંગ્રેસ જેવી પાર્ટી અલ્પેશ ઠાકોરને સાચવી શકી નહીં એ પણ હકીકત છે.
કોંગ્રેસ પણ અલ્પેશ ઠાકોરને લઈ રણનીતિ બનાવી રહી છે. ઠાકોર અને ક્ષત્રિય વોટમાં ભાજપને હંફાવવા કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને ફરી એન્ટ્રી આપી શકે એમ છે પણ આ વખતે કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરનો સિનારીયો બદલાયેલો હશે. અલ્પેશ ઠાકોર જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે જીતુ વાઘાણી પ્રમુખ હતા અને હવે સીઆર પાટીલ પ્રમુખ છે. નદીઓમાં ઘણું પાણી વહી ગયું છે અેટલે વિધાનસભામાં ફરી ટીકીટ મળશે કે કેમ તે એક પ્રશ્ન છે. કોંગ્રેસ પાસે રાધનપુરમાં સીટીંગ ધારાસભ્ય રઘુ દેસાઈ છે. રઘુ દેસાઈ પેટાચૂંટણીમાં મોટા માર્જિનથી ચૂંટણી જીત્યા નથી અને સામાન્ય ચૂંટણીમાં સ્થિતિ આકરી થઈ શકે છે. કોંગ્રેસ પણ ઈચ્છશે કે અલ્પેશ ઠાકોર ફરી કોંગ્રેસમાં આવે પણ કોંગ્રેસ હાઈકામાન્ડ માટે નિર્ણય લેવો મુશ્કેલ બની શકે છે.
એક વાત ચોક્કસ છે કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના આંદોલનોનો કોંગ્રેસને 2017માં ભરપુર ફાયદો થયો હતો. 2021માં કોંગ્રેસ જૂના સમીકરણોને પુન:જીવંત કરી સક્રીય કરવાની દિશામાં આગળ વધી શકે એવા વર્તારા મળી રહ્યા છે.