અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1100 જેટલાકોરોના વોરિયર્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોરોના વોરિયર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને નારેબાજી કરવામાં આવી હતી. આ સાથે જ પેપર લીક કૌભાંડને લઈ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
અમદાવાદના મેયરને આવેદનપત્ર આપી તમામ 1100 કોરોના વોરિયર્સને ફરી નોકરીએ લેવાની માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ફરજમાંથી છૂટા કરાયેલા વોરિયર્સ ઘરણમાં જોડાયા હતા. ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, કોરોના વોરિયર્સને પાછા લો તથા પેપર લીક કૌભાંડના આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય મેવાણીએ વોરિયર્સને ટેકો આપ્યો હતો અને તેમની તરફેણમાં ધરણા કર્યા હતા.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ અંગે જણાવ્યું કે ભાજપે કોઈ પણ નોટીસ કે આગોતરી જાણ કર્યા વિના કોરોના જેવા કપરા સમયમાં પણ કામ કર્યું છતાં પણ તેમને છૂટા કરવામાં આવ્યા છે. આ તમામ કોરોના વોરિયર્સને ફરી નોકરી પર લેવામાં આવે. કોરોના વોરિયર્સનો આરોપ છે કે માત્ર વ્હોટ્સએપ મેસેજ દ્વારા તમામને છૂટા કરી દેવામાં આવ્યા છે. દોછ વર્ષ સુધી ફરજ નિભાવી અને તેની કોઈ દરકાર લીધા વિના છૂટા કરવામાં આવ્યા છે.