ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ પર હંગામાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા આપના નેતાઓ જેલમાંથી બહાર આવ્યા હતા. આપના કાર્યકરોને સંબોધન કરતાં આપના નેતાઓએ પેપર લીક કૌભાંડ અને અસિત વોરાના રાજીનામાની માંગ સાથે આંદોલન કરવાનું એલાન કર્યું છે.
આપ ગુજરાતના સહ-પ્રભારી ગુલાબસિંહે કહ્યું કે પાછલા 27 વર્ષનો ગુજરાતમાં ભાજપના ઈતિહાસ પર નજર કરીએ તો મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ 27 વર્ષમાં કરી ન શકી તે આપે કરી દેખાડ્યું છે. 28 મહિલાઓ જેલમાં ગઈ. સમગ્ર ગુજરાતમાં આપની ચર્ચા થઈ રહી છે. પહેલી વાર ગુજરાતમાં વિપક્ષ મળ્યો છે, પહેલાં વિપક્ષ હતો નહીં.
તેમણે સીઆર પાટીલને સંબોધીને કહ્યું કે સીઆર પાટીલને કહેવા માંગું છું કે અમે જે જેલમાંથી બહાર આવ્યા છે તે સાબરમતિ જેલના દરવાજા ખૂલ્લા રાખજો, ફરી જેલમાં જવાની તૈયારી છે. જે કલમો લગાડવાની હોય તે લગાડજો. અમે પરમીશન માંગ હતી પણ આપવામાં આવી નહીં. હવે સીઆર પાટીલ પાસે હવે કોઈ પરમીશન લેવામાં આવશે નહીં, જેલમાં નાંખવાના હોય તો નાંખી દેજો. સમગ્ર રાજ્યમાં યાત્રાઓ નીકળશે, દરેક જગ્યાએ સભાઓ થશે. સમગ્ર રાજ્યમાં દેખાવો કરાશે. યુવાનો અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવીને રહીશું. અસિત વોરાનાં રાજમાં કુલ 88 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં આવી ગયું છે.
મહેશ સવાણીએ જણાવ્યું કે બહેન-દિકરી પાઠશાળામાં જઈ આવ્યા. હું જેલ નહીં કહું પણ પાઠશાળા કહીશ. 200 વર્ષ અંગ્રેજોનું શાસન આપણા દેશમાં રહ્યું. આઝાદી મેળવવાની છે તે ભાજપ પાસેથી આઝાદી મેળવવાની છે. જામીન એવી શરતે મળ્યા છે કે ગાંધીનગરમાં આવવું નહીં. અમે 2022માં ગાંધીનગરમાં આવીશું. બધાને સુપર સીએમનો ડર છે. જેટલીવાર જેલમાં જવું પડે તેટલી વાર જેલમાં જવાની તૈયારી છે.
પ્રવીણ રામે જેલવાસ અંગે કહ્યું કે જેલમાં જતા ઘણું શીખવાનું છે. જેલમાં મજા આવી. અનેક લોકો પહેલીવાર જેલમાં ગયા પણ બહાર નીકળ્યા બાદ વધુ તાકાતથી આંદોલનને આગળ વધારવાના નિર્ધાર સાથે નીકળ્યા છે. મહિલાઓને જેલમાં રાખીને ભાજપ સરકારે મહિલાઓનું અપમાન કર્યું છે. આપનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે, પણ એ ગુજરાતના યુવાઓનું અપમાન કર્યું છે. આપણે જેલના દરવાજા ખૂલ્લા રાખીને આવ્યા છીએ.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે કમલમને ઘેરવા પાછળ એવું છે કે મુખ્ય માણસ કમલમમાં બેસે છે એટલે જ કમલમમાં ગયા, સચિવાલયમાં પ્યાદાઓ બેસે છે. બહેન-દિકરીઓ સલામત નથી.આંદોલન આગળ વધશે. વધુ વેગથી આંદોલન ચાલશે.