ગાંધીનગર ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધતા જાય છે ત્યારે મોડે મોડે ગુજરાત સરકારે પ્લાઝમા થેરાપીનો અમલ કરવાનો શરૂ કર્યો છે. આ અગાઉ દેશમાં કેરાલા અને મહારાષ્ટ્ર સરકારે તેનો અમલ શરૂ કર્યો હતો અને ઇચ્છિત પરિણામ મળ્યા હતા. આ થેરાપીના પ્રયોગથી અમેરિકામાં પણ દર્દીઓ સાજા થયાં છે. ગુજરાતમાં વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ ઉપર પહેલો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
કોરોના મહામારી સામે લડાઇમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો અને ડોક્ટરો ઉપાય શોધી રહ્યાં છે. કોરોના વાયરસગ્રસ્ત વ્યક્તિની સારવાર માટે ભારતમાં આઇસીએમઆર એ પ્લાઝમા થેરાપી શરૂ કરવાની મંજૂરી આપી છે. સારવાર માટેની આ જાણીતી પદ્ધતિમાં નવા દર્દીઓના રક્તમાં ઠીક થયેલા દર્દીઓનું રક્ત મેળવીને તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ વધારીને બિમારી સામે લડવા માટે એન્ટી બોડી તૈયાર કરવામાં આવે છે.
આ એન્ટીબોડી દ્વારા શરીરમાં વાયરસની ઓળખ કરવામાં આવે છે જે પછી માનવરક્તમાં રહેલા શ્વેતકણો આ વાયરસને શરીરની અંદર જ ખતમ કરી નાંખે છે અને વ્યક્તિને ચેપથી છૂટકારો મળી જાય છે. એન્ટી બોડી ચેપ માટે ફ્રન્ટલાઇન પ્રોટેક્શન પ્રોસેસમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. આ ખાસ પ્રકારના પ્રોટીન છે જેને બી લિમ્ફોસાઇટસ નામક કોશિકાઓ શરીરમાં પેદા કરે છે. શરીર પર વાયરસના હુમલાનો સામનો કરતા સમયે આ પદ્ધતિ એન્ટી બોડી ડિઝાઇન બનાવે છે જે દરેક વાયરસનો ખાતમો કરે છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીએમઆર) એ ભારતમાં પ્લાઝમા થેરાપીથી સારવાર કરવા માટે મંજૂરી આપી છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે ગુજરાતમાં હવે આપણે વેન્ટીલેટર પર રહેલા કોરોનાના દર્દીઓની સારવાર પ્લાઝમા થેરાપીથી શરૂ કરી છે. આશા છે કે આપણને તેના સફળ પરિણામ મળી શકે.
પ્લાઝમા એ જૂની પદ્ધતિ છે. સ્વસ્થ વ્યક્તિના પ્લાઝમા થી બિમાર વ્યક્તિનો ઇલાજ કરી શકાય છે. દેશમાં કેરલ રાજ્યએ પહેલો પ્રયોગ કર્યો છે અને તબીબો તેમાં સફળ રહ્યાં છે. અમેરિકાના ડોક્ટરો આશરે એક સદી જૂની પદ્ધતિથી દર્દીઓનો ઈલાજ પહેલેથી કરી રહ્યા છે. પ્લાઝમા થેરાપી અંતર્ગત કોવિડ 19ની ઝપેટમાં આવ્યા બાદ સાજા થયેલા દર્દીઓના લોહીમાંથી પ્લાઝ્માને અલગ કરી બિમાર દર્દીઓને આપવામાં આવી રહ્યા છે. અમેરિકા અને ઈંગ્લેન્ડમાં આ થેરાપી શરૂ કરી દેવામાં આવી છે. ચીને પણ કહ્યું છે કે અમે પ્લાઝમાના ઉપયોગથી દર્દીઓને સાજા કર્યા છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર એક સાજા થયેલા દર્દીના પ્લાઝમાથી ત્રણ દર્દીઓ સાજા થઈ શકે છે. તેનાથી ડોનરને કોઈ નુકસાન થતું નથી. કોરોના સામે લડવા માટે તેના શરીરમાં પૂરતા એન્ટિબાડિઝ બનતા રહે છે. ડોનરના શરીરમાંથી માત્ર 20 ટકા એન્ટિબોડીઝ લેવામાં આવે છે જે બે ચાર દિવસમાં ફરી પાછી બની જાય છે. ઉલ્લેખનીય છે કે ઈબોલા અને ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારી પણ પ્લાઝમા દ્વારા જ કાબુમાં આવી છે.
આ પ્રક્રિયામાં સૌપ્રથમ હાઈપર ઈમ્યૂન લોકોની ઓળખ કરવામાં આવે છે. આ એ જ લોકો હોય છે કે જે પહેલા વાયરસની ઝપટમાં આવ્યા બાદ સાજા થઈ ગયા છે. અથવા તો એવા વ્યક્તિઓ કે જે આ વાયરસની ઝપટમાં આવ્યા નથી. સાજા થયેલા લોકોના પ્લાઝમાને કોન્વેલ્સેન્ટ પ્લાઝમા કહેવામાં આવે છે.
તેના શ્વેતકણોથી ફ્રેક્શનેશન પ્રક્રિયા દ્વારા પ્લાઝમા અલગ કરવાં આવે છે.
સંપૂર્ણ રીતે લોહીમાંથી પ્લાઝમાને અલગ કરવા માટે એપેરેસિસ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર બાદ આ કોન્વેલ્સેન્ટ પ્લાઝમાને ગંભીર રીતે કોરોના વાયરસથી સંક્રમિત બિમારના શરીરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેના કારણે બિમાર દર્દીનું શરીર પણ લોહીમાં વાયરસ સામે લડનાર એન્ટીબોડી બનાવવા લાગે છે. અને તેના માટે વાયરસ સામે લડવુ સરળ થઈ જાય છે તેમજ તબિયત સુધરે છે.