ફાગણ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે પંચાંગ ભેદ ન હોવાથી આ વ્રત 7 એપ્રિલના રોજ કરવામાં આવશે. આ વખતે એકાદશી તિથિ બુધવારે સૂર્યોદય પહેલાં જ શરૂ થઇ જશે અને બીજા દિવસે સૂર્યોદય સુધી રહેશે. એટલે આ વ્રત બુધવારે જ કરવામાં આવશે. પાપમોચની એકાદશી વ્રત કરવાથી ભક્તના બધા પ્રકારના કષ્ટ દૂર થઇ જાય છે. આ વ્રતને કરવાથી ભક્તોને મોટા યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે હજાર ગાયના દાન સમાન ફળ મળે છે. પાપમોચની એકાદશી અંગે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખનાર વ્યક્તિએ દશમ તિથિએ એક સમય સાત્વિક ભોજન કરવું જોઇએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઇએ. બારસ તિથિ એટલે બીજા દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો અને પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો. તે પછી સ્વયં ભોજન કરો. આ પ્રકારે પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે તથા વ્રતીના બધા પાપનો નાશ કરે છે.
