ધર્મગ્રંથોમાં મનુષ્યો ઉપર 3 પ્રકારના ઋણ જણાવવામાં આવ્યાં છે. જેમાં દેવ, ઋષિ અને પિતૃઋણ સામેલ છે. પૂજા-પાઠ, હવન અને જાપ-તપ કરવાથી દેવ અને ઋષિઋણ ચૂકવી શકાય છે. પરંતુ પિતૃઋણ શ્રાદ્ધ કર્મ વિના ચૂકવી શકાતું નથી. એટલે ભાદરવા મહિનાના 16 દિવસમાં પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, હવન પૂજન અને બ્રાહ્મણ ભોજન કરાવી શકાય છે. હિંદુ કેલેન્ડરના ભાદરવા મહિનાના વદપક્ષને પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ કહેવામાં આવે છે. ભાદરવા મહિનાની પૂનમથી અમાસ સુધી 16 દિવસનું શ્રાદ્ધ પક્ષ હોય છે. આ વર્ષે 2 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઇ રહ્યું છે, જે 17 સપ્ટેમ્બરના રોજ સર્વપિતૃ અમાસ સાથે પૂર્ણ થશે.
જે તિથિમાં માતા-પિતા અથવા પૂર્વજોનું મૃત્યુ થયું હોય, પિતૃપક્ષની તે તિથિમાં શ્રાદ્ધ કરવું જોઇએ. જે તિથિએ આપણાં પરિજનોની મૃત્યુ થાય છે તેને શ્રાદ્ધની તિથિ કહેવામાં આવે છે. સ્મૃતિ ગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શ્રાદ્ધ માટે મુંડન કરાવવું જરૂરી નથી. બ્રહ્મપુરાણ પ્રમાણે વિધિ-વિધાનથી શ્રાદ્ધ કરવામાં આવે તો બ્રહ્માથી લઇને બધા દેવી-દેવતા અને પિતૃ પ્રસન્ન થાય છે. નાગરખંડ પ્રમાણે શ્રાદ્ધ કર્મ ક્યારેય વ્યર્થ થતું નથી. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે દેવકાર્યથી પણ વધારે મહત્ત્વપૂર્ણ પિતૃકાર્ય છે. દેવતાઓ પહેલાં પિતૃઓને તૃપ્ત કરવા જોઇએ. શ્રાદ્ધ કરવાથી કુળમાં વીર, નિરોગી, લાંબી ઉંમરવાળું અને પ્રસિદ્ધિ મેળવાનાર સંતાન ઉત્પન્ન થાય છે.