24 જૂને જેઠ મહિનાની પૂનમ છે. સનાતન ધર્મને માનતાં લોકો માટે સ્કંદ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે આ પર્વ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ પર્વ ઉપર તીર્થ સ્નાન, દાન અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. જેના પ્રભાવથી મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થઇ જાય છે. સાથે જ, પુણ્ય ફળ મળે છે. આ પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વટ વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. એટલે જ, જેઠ મહિનાની પૂર્ણિમાને ધર્મગ્રંથોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન, ધ્યાન અને પુણ્ય કર્મ કરવાનું વિશેષ મહત્ત્વ છે. સાથે જ, આ દિવસ તે લોકો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેમના લગ્ન થતાં-થતાં અટકી ગયા હોય છે અથવા લગ્નજીવનમાં કોઇ પ્રકારનાં વિઘ્ન આવી રહ્યાં હોય. આવા લોકોએ આ દિવસે સફેદ કપડાં પહેરીને શિવજીનો અભિષેક કરવો જોઇએ.
ભગવાન શિવની પૂજા દરેક સમસ્યા દૂર કરે છે.સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં આ દિવસે વટ પૂજાનું વિધાન છે. આ દિવસે મહિલાઓ શ્રૃંગાર કરીને પતિના લાંબા આયુષ્ય માટેની કામનાથી વટ વૃક્ષની પૂજા કરે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા સાથે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવી જોઇએ. ગ્રંથો પ્રમાણે સાવિત્રીના પતિવ્રતા તપને જોઇને આ દિવસે યમરાજે તેના પતિ સત્યવાનના પ્રાણ પાછા સોંપીને તેને જીવનદાન આપ્યું હતું.સ્કંદ અને ભવિષ્ય પુરાણ સિવાય અન્ય ગ્રંથોમાં પણ જેઠ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. મોટાભાગે આ દિવસે શ્રદ્ધાળુઓ ગંગાજળ લઇને અમરનાથ યાત્રા માટે પ્રસ્થાન કરે છે. જેઠ મહિનામાં ગરમી ખૂબ જ વધારે હોય છે. એટલે ઋષિઓએ પૂર્ણિમા તિથિ ઉપર અનાજ અને જળદાનનું વિધાન જણાવ્યું છે. પૂર્ણિમાએ તીર્થ સ્નાન અને જળની પૂજાનું પમ વિશેષ મહત્ત્વ છે. આ જ માધ્યમથી આપણાં ઋષિ-મુનિઓએ સંદેશ આપ્યો છે કે, જળના મહત્ત્વને ઓળખો અને તેનો સદુપયોગ કરો.