ગાંધીનગર: કેન્દ્ર સરકારે તેના ઉચ્ચ અધિકારીઓ માટે એવો આદેશ કર્યો છે કે જે ઓફિસરોએ એમબીબીએસ કે એમડી સુધીનો અભ્યાસ કર્યો હોય તેમણે કોરોના સંક્રમણના સમયમાં હોસ્પિટલોમાં કામ કરવાનું રહેશે. કેન્દ્રએ રાજ્યોને પણ આવો આદેશ કર્યો છે અને કહ્યું છે કે ભારતીય સનદી સેવાઓના જેટલા ઓફિસરો હોય તેમને કોવિડની કામગીરીમાં સામેલ કરો. આ આદેશ પછી ગુજરાત સરકારે એક યાદી બનાવી છે અને તેમને ડ્યુટી સોંપવામાં આવી રહી છે.
ગુજરાત સરકારે મેડીકલની ડીગ્રી ધરાવતા 15 આઇએએસ અને 9 આઇપીએસ ઓફિસરોની યાદી બનાવી છે અને તેમને કોરોના સંક્રમણના સમયે હોસ્પિટલોની ડ્યુટી સોંપવાનું નક્કી કર્યું છે. આ ઓફિસરોને મેડીકલ ક્ષેત્રનું જ્ઞાન છે તેથી તેમના જ્ઞાનનો સરકાર અને કોરોના દર્દીઓને લાભ મળી શકે છે. આશ્ચર્યની બાબત એવી છે કે આખા દેશના આઇપીએસ અને આઇએએસ અધિકારીઓ પૈકી એકલા ગુજરાતમાં એવા 24 ઉચ્ચ અધિકારીઓ છે કે જેઓ મેડીકલની ડીગ્રી ધરાવે છે.
સરકારના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં હાલ ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ કે જેમની પાસે મેડીકલની ડીગ્રી છે તેમને કોરોના ડ્યુટી સોંપવામાં આવે છે તે સારી બાબત છે પરંતુ ગાંધીનગર અને અમદાવાદમાં એવા ઘણાં નિવૃત્ત ઓફિસરો રહે છે કે જેમની પાસે મેડીકલની ડીગ્રી છે. રાજ્ય સરકારે તેમનો પણ ઉપયોગ કરવો જોઇએ.આ અધિકારીએ કહ્યું કે સરકારના નિવૃત્ત અને આયુર્વેદના જાણકાર એવા સિનિયર આઇએએસ એસકે નંદાનો સરકાર કેમ ઉપયોગ કરી રહી નથી તેનું અમને આશ્ચર્ય થાય છે. આ અધિકારી એવા છે કે જેમને મેડીકલનું જ્ઞાન છે.
આરોગ્ય વિભાગમાં તેમણે લાંબા સમય સુધી સેવાઓ આપી છે. એવી જ રીતે અમરજીતસિંઘ પણ છે કે જેઓને અત્યારે રેરાના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. તેમનો પણ સરકાર ઉપયોગ કરી શકે છે. બીજા 12 જેટલા એવા નિવૃત્ત ઓફિસરો છે, જેમનો યાદીમાં સમાવેશ કરવો જોઇએ.આ અધિકારીએ કહ્યું હતું કે સુરતમાં જિલ્લા કલેક્ટર ધવલ પટેલ છે. તેઓ ડોક્ટર છે. સરકાર તેમનો વધુ ઉપયોગ કરી શકે છે. સરકાર પાસે કેટલાક અધિકારી એવાં છે કે જેમણે પ્લેગ અને ભૂકંપ સમયે ઉત્તમ કામગીરી કરી છે પરંતુ આ સરકાર તેમનો ઉપયોગ કેમ કરતી નથી તે સમજાતું નથી.
પોલીસ અધિકારી અને આઇપીએસ વિપુલ અગ્રવાલ પણ ડોક્ટર છે. તેમણે નેશનલ હેલ્થ અને આયુષ્યમાન ભારત અભિયાનમાં કામ કર્યું છે. એવી જ રીતે ગુજરાતની મહિલા અધિકારી અને આઇએએસ સંધ્યા ભૂલ્લર પણ નેશનલ હેલ્થ મિશનની ડાયરેક્ટર રહી ચૂક્યાં છે. તેઓ અત્યારે ડેપ્યુટેશન પર છે.ગુજરાતમાં આઇએસએસ અધિકારી છે અને એમબીબીએસની ડીગ્રી ધરાવે છે તેમાં એસ મુરલીક્રિશ્ના, રતનકુંવર ગઢવી, સૌરભ પારધી, હર્ષિત ગોસાવી, જિને વિલિયમ્સ, રાજેન્દ્ર પટેલ, વિપિન ગર્ગ, ઓમ પ્રકાશ, પ્રશાંત લોવા અને જલમીન હસરતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકાર પાસે નિવૃત્ત આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની મોટી સંખ્યા છે તેમનો ઉપયોગ કરવો જોઇએ.