શ્રાવણ માસની કૃષ્ણપક્ષની એકાદશીની તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે. આ તિથિ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી પછી આવે છે. આને કામિકા અથવા અન્નદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુના ‘ઉપેન્દ્ર’ સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. તથા રાત્રે જાગરણ પણ કરવામાં આવે છે. આ વખતે ૧૫ ઓગસ્ટ એટલે કે પ્રજાસત્તાક દિન ના રોજ આ એકાદશી આવી રહી છે. આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઇ જાય છે, અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે અજા એકાદશી પર સૂર્યોદય પહેલા ઉઠી જાવ. ઘરની સાફ સફાઈ કરો.
- આખા ઘરમાં ગૌ મૂત્રનો છંટકાવ કરો.
- પછી શરીર પર તેલ અને માટીનો લેપ લગાવીને ધરોઇથી સ્નાન કરો.
- સ્નાન કર્યા પછી એકાદશી વ્રત અને પૂજાનો સંકલ્પ લો.
- ત્યારબાદ આખો દિવસ વ્રત રાખો. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો, અને શ્રદ્ધા અનુસાર બ્રાહ્મણ ને દાન કરો.
- વ્રતમાં તમે અન્ન ગ્રહણ નથી કરી શકતા, પરંતુ એકવાર ફલાહાર કરી શકાય છે.
ઘરમાં પૂજાના સ્થાન પર અથવા પૂર્વ દિશામાં કોઈ સ્વચ્છ જગ્યા પર ગૌમૂત્ર છાંટીને ત્યાં સ્વચ્છ વસ્ત્ર ઉપર ઘઉં મુકો. પછી એના પર તાંબાનો લોટો એટલે કે કળશ મુકો. કળશને પાણીથી ભરો અને એના પર આસોપાલવના પાંદડા અથવા દાંડી વાળા પાન મુકો અને એના પર શ્રીફળ મૂકી દો. તેનાં ઉપર કંકુ ના પાંચ ચાંદલા કરો પુષ્પ અક્ષત ચઢાવો આ પ્રકારે કળશ સ્થાપના કરો. કળશ પર અથવા એની નજીક વિષ્ણુ ભગવાનની મૂર્તિ મૂકીને કળશ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. દીવો પ્રગટાવો અને બીજા દિવસે એ કળશની સ્થાપનાને ત્યાંથી હટાવી દો. પછી એ કળશનું પાણી આખા ઘરમાં છાંટો અને વધેલું પાણી તુલસીમાં પધરાવી દો. એકાદશી પર જે કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરે છે, એમના પાપ નાશ થઇ જાય છે. વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ વ્રતને કરવાથી જ રાજા હરિશચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું, અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો. અજા એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને હજાર ગૌ-દાન કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે.