રવિવાર, 11 એપ્રિલ અને સોમવાર 12 એપ્રિલના રોજ ફાગણ મહિનાની અમાસ તિથિ છે. રવિવારે સવારે સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ યોગમાં કરવામા આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થઇ શકે છે. ફાગણ મહિનાની અમાસના દિવસે શિવજી, સૂર્ય અને પિતૃઓ માટે વિશેષ પૂજા-પાઠ કરવા જોઇએ. રવિવારે સ્નાન દાન અને શ્રાદ્ધ કર્મની અમાસ રહેશે. આ દિવસે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે. તે પછી પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઇએ. સોમવારે અમાસ હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન, દાન-પુણ્ય વગેરે શુભ કામ કરવા જોઇએ. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઇ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. સવારે જલ્દી જાગવું અને તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો.
અમાસના દિવસે કોઇ શિવ મંદિરમાં અભિષેક કરવો જોઇએ. તાંબાના લોટામાં જળ ભરો અને શિવલિંગ ઉપર ચઢાવો. ચાંદીના લોટાથી દૂધ ચઢાવો. ભગવાનને બીલીપાન, ધતૂરો, હાર-ફૂલ, આંકડાના ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરો. શિવલિંગ ઉપર જનોઈ ચઢાવો. ચંદનથી તિલક કરો. પંચામૃત અર્પણ કરો. પંચામૃત દૂધ, દહી, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવું જોઇએ. ધ્યાન રાખો કે શિવજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવો જોઇએ નહીં. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવવો જોઇએ. દીવો પ્રગટાવીને શિવજીની આરતી કરો. પૂજામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમે ઇચ્છો તો મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકો છો. દીવાથી આરતી કરો. પૂજા પછી ભગવાન પાસે ભૂલની માફી માગો. અન્ય ભક્તોમાં પ્રસાદ વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો. આ પ્રકારે શિવપૂજા રવિવારે અને સોમવારે બંને દિવસે કરી શકાય છે.