રવિવાર, 11 એપ્રિલના રોજ ફાગણ મહિનાની અમાસ છે. જ્યોતિષના સંહિતા ગ્રંથ પ્રમાણે રવિવારે અમાસ હોવું અશુભ માનવામાં આવે છે. આ સ્થિતિની દેશ-દુનિયા ઉપર અશુભ અસર પડે છે. આ તિથિએ તીર્થ અને પવિત્ર નદીઓમાં સ્નાન સાથે જ દાન અને પૂજા-પાઠ કરવાની પરંપરા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે. ફાગણ અમાસના દિવસે ગ્રહોની વિશેષ સ્થિતિ બનવાથી આ દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. પિતૃઓ માટે આ દિવસે કરવામાં આવતી પૂજાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિથી બની રહેલાં પિતૃદોષનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે. રવિવારે અમાસ તિથિ આખો દિવસ રહેશે. પરંતુ બીજા દિવસે સોમવારે સવારે લગભગ સાડા 8 વાગ્યા સુધી આ તિથિ રહેશે. સૂર્યોદય વ્યાપિની અમાસ સાથે સોમવતી અમાસનો સંયોગ હોવાથી આ દિવસે સવારે તીર્થના જળથી સ્નાન કરવું. તે પછી પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને અનાજ-જળ, કપડા કે અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરી શકો છો. આ દિવસે ગાયને ઘાસ પણ ખવડાવવું જોઇએ. સોમવતી અમાસના દિવસે ઘરમા પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઇ ગૌશાળામાં ઘાસ કે ધનનું દાન કરો. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતા દાનનું અનેક ગણું વધારે પુણ્ય ફળ મળે છે.
