ગુજરાતમાં આગામી રવિવારે એટલે કે19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણી પહેલા જ 1,167 સરપંચ બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી આયોગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી તો આજે ગાંધીનગરમાં ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની તૈયારી અંગે એક બેઠક યોજાઈ હતી.
રાજ્યમાં કુલ 23,097 મતદાન મથકો પર મતદાન થશે. જ્યારે રાજ્યના કુલ 1,82,15,013 મતદારો મતદાન કરશે. રાજ્યમાં શાંતિથી ચૂંટણી યોજાય તે માટે ગૃહ વિભાગે વ્યવસ્થા કરી છે. તો વર્તમાન પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગે પણ મતદાન મથક પર વિશેષ વ્યવસ્થા કરી છે. તો આ અંગે આજે ગાંધીનગરમાં ગાંધીનગરમાં ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની તૈયારી અંગે એક બેઠક યોજાઈ હતી. ગૃહ વિભાગે ચૂંટણીમાં કોઈ પણ ભય વિના તેમ જ પક્ષપાત વિના લોકો મત આપી શકે તે માટે ધ્યાન રાખ્યું છે.
રવિવારે ગ્રામ પંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી અને અંદાજિત 78,702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. જ્યારે 19 ડિસેમ્બરે મતદાન અને 20 ડિસેમ્બરે (જરૂર જણાય તો) મતદાન થશે. આ ઉપરાંત 21 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે. જ્યારે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પૂર્ણ થશે.