ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 66 લાખ પરિવારોના બેન્ક ખાતામાં 1000 રૂપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે. આ રૂપિયા ગરીબ અને શ્રમજીવી પરિવારોને મળશે.
આ નિર્ણય અનુસાર, રાજ્યમાં 66 લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર 20મી એપ્રિલથી રાજ્ય સરકાર 1000ની રકમ જમા કરાવશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંત્યોદય-ગરીબલક્ષી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસની સ્થિતીને પગલે જાહેર થયેલા લોકડાઉનમાં આવા વર્ગોને રોજગારી-રોજીરોટી ન મળવાને કારણે આર્થિક મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંવેદના દર્શાવી આવા 66 લાખ NFSA કાર્ડધારકોના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા 1000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. 20મી એપ્રિલથી આવા 66 લાખ NFSA લાભાર્થીઓના બેન્ક ખાતામાં ડી.બી.ટી.થી 1000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આના પરિણામે રાજ્ય સરકારને 660 કરોડનું વધારાનું ભારણ પડશે.
આ 1000 રૂપિયાની સહાય માટે લાભાર્થી પરિવાર-કાર્ડધારકે કોઇ વધારાના ફોર્મ્સ ભરવા કે ફોર્માલિટીઝ કરવી પડશે નહિ. રાજ્ય સરકાર પાસે આવા 66 લાખ લાભાર્થીઓનો ડેટાબેઇઝ ઉપલબ્ધ છે તેના આધારે સીધા જ તેમના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા 1000 જમા કરાવવામાં આવશે.
મુખ્યમંત્રીએ લોકડાઉનની આ સ્થિતીમાં રાજ્યના 60 લાખ મધ્યમવર્ગીય પરિવારો એટલે કે 2.50 કરોડ લોકો જેમની પાસે APL-1 રેશનકાર્ડ છે તેમને પણ એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ આપવાનો નિર્ણય કર્યો હતો. આ પરિવારોમાંથી અત્યાર સુધીમાં 45 લાખ પરિવારો-કાર્ડધારકોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી મેળવ્યો છે. આ હેતુસર અત્યાર સુધીમાં 45 હજાર મે.ટન ઘઉં, 15 હજાર મે.ટન ચોખા, 4500 મે.ટન ખાંડ તેમજ 4500 મે.ટન ચણા-દાળ, ચણાનું વિતરણ થયું છે.
અશ્વિનીકુમારે જણાવ્યું કે, હજુ પણ જે APL-1 લાભાર્થીઓ આ અનાજ મેળવવાથી બાકી રહી ગયા છે તેમને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી અનાજ વિતરણની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. રાજ્યમાં નાગરિકો-પ્રજાજનોને ખાદ્યતેલની તંગી ન પડે તેમજ તેના ભાવો પણ જળવાઇ રહે તેવી મુખ્યમંત્રીશ્રીની તાકિદને પગલે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને રાજકોટ જિલ્લાના ઓઇલ મિલ્સ સંચાલકો સાથે શુક્રવારે અન્ન નાગરિક પુરવઠા સચિવ, વેરહાઉસીંગ કોર્પોરેશનના એમ.ડી અને મુખ્યમંત્રીશ્રીના સચિવે વિડીયો કોન્ફરન્સ યોજી હતી.
આ કોન્ફરન્સમાં નાફેડના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મગફળીની માંગ પ્રમાણે પુરવઠો જળવાઇ રહે, ઓઇલ મિલર્સને મગફળીનો પુરવઠો મેળવવામાં તકલીફ ન પડે એટલું જ નહિ, ભાવ પણ જળવાઇ રહે તે અંગે ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.