ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે મુખ્યમંત્રી તરીકે 100 દિવસ પૂર્ણ થયા છે. તેઓ ભાજપના સાતમા મુખ્યમંત્રી છે જો કે માત્ર વિજય રૃપાણી અને નરેન્દ્ર મોદીએ જ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. 100 દિવસ એક સરકારના લેખાંજોખાં ન હોય પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી ઠુંકડી આવી રહી હોય ત્યારે સરકાર પાસે કામ કરવાની અપેક્ષા વધી જાય છે.
રુપાણીની વિદાય હવે એ એક ઈતિહાસ બની ગયો છે. નવી સરકાર પાસે સરકાર વિરોધી લહેરને ડામવાનો મોટો પડકાર આજે પણ ઉભો છે. કોરોના ફી ઉથલો મારી રહ્યો છે. ઓમિક્રોન સતત ડરાવી રહ્યો છે. એવુંય નથી કે સરકાર પગલા ભરી રહી નથી. અગાઉની સરકારે વ્યવસ્થા ગોઠવેલી જ છે બસ એ વ્યવસ્થાને સતત કાર્યશીલ કરતા રહેવાની છે અને અવિરત મોનીટરીંગ કરતા રહેવાનું છે અને હાલની સરકાર આ કરી રહી હોય એવું જણાય છે.
ભૂપેન્દ્ર પટેલ પોતે મીડિયામાં છવાઈ જવા માંગતા નથી. તેઓ કામ કરી રહ્યા છે અને કરશે. ઔડાના ચેરમેન પદે રહીને તેમણે કામગીરી બતાવી હતી તેવીજ રીતે મુખ્યમંત્રી તરીકે તેઓ કામ કરી રહ્યા છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ છે પણ કેટલીક વખત એવું લાગે છે કે સરકારના બિન અનુભવી મંત્રીઓ પર અનુભવશીલ સંગઠન હાવી થઈ રહ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
દરેક સરકારના સારા પાસા હોય છે તો નરસા પાસા પણ હોય છે. વર્તમાન સરકાર પરીક્ષા લીક મામલે ભીંસમાં મૂકાયેલી છે. અસિત વોરાને લઈ સરકાર સતત બેકફૂટ પર છે. વિપક્ષો હંગામો કરી રહ્યા છે અને સરકાર પેપર લીક મામલે કોઈને છોડવામાં નહીં આવે તેવું સતત કહી રહી છે. આરોપીઓ પકડાયા છે પણ વિપક્ષો કહી રહ્યા છે મોટા મગરમચ્છોને છોડી દેવામાં આવી રહ્યા છે.
ડ્રગ્સ કાંડ થયો અને અદાણી પોર્ટ પર આક્ષેપોનો વરસાદ થયો. ત્યાર બાદ સરકાર નશીલા પદાર્થોની સામે ઝૂંબેશ શરુ કરી. મુદ્દો એ છે કે આટલા બધા પોલીસે ઓપરેશન કર્યા તો પણ ગુજરાતના વિવિધ શહેરોમાંથી નશીલા પદાર્થો સતત પકડાઈ રહ્યા છે.
મહત્વની વાત એ છે કે નેતૃત્વ પરિવર્તન સાથે સમગ્ર સરકારને બદલવામાં આવી તો તેના ગુજરાતને કેટલો ફાયદો થયો છે? આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. બિનઅનુભવ મંત્રીઓને કનડી રહ્યો છે પણ તમામ મંત્રીઓ પોતાની કેપિસીટી પ્રમાણે કામ કરી રહ્યા છે. નવા ચહેરાઓ સાથેની ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતને કેટલી લાભકારક છે તેનો નિર્ણય ગુજરાતની જનતા પર જ છોડી દઈએ.