ગાંધીનગરમાં ફરી એકવખત પાસ કન્વીનરો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં પણ કોઈ નિર્ણય ન લેવાતા મુદ્દત પડી છે.બેઠક બાદ પાસ નેતાઓએ ફરી એકવખત બેઠક પરિણામલક્ષી ન રહી હોવાનો દાવો કર્યો છે. જ્યારે સરકાર તરફથી અપેક્ષા મુજબ જ બેઠક યોગ્ય દિશામાં આગળ વધી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સરકારે આ પહેલાની બેઠકમાં પાસના નેતાઓ પાસે અન્ય રાજ્યોની અનામતની સ્થિતિ અને અમલના દસ્તાવેજો માંગ્યા હતા. જે દસ્તાવેજોને લઈને આજની બેઠકમાં પહોંચેલા પાસના નેતાઓને હવે તેમને સોંપેલ દસ્તાવેજનો અભ્યાસ કરવામાં આવશે તેવુ કહી આવતા અઠવાડિયે ફરી બેઠકનુ વચન આપી રવાના કરી દીધા હતા.આજની બેઠકમાં સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. પાસ નેતાઓને અનામતની માંગ પર ગાંધીનગરના ધક્કા વચ્ચે હજી પણ સરકાર કોઈ રસ્તો કાઢશે તેવી આશા છે. તેઓ જરુર પડે હાર્દિકને બોલાવવા માટે પણ તૈયાર છે. બેઠક બાદ હાર્દિક પટેલે ફેસબુક પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
હાર્દિકે જણાવ્યુ હતું કે આજે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં અનામત વ્યવસ્થાના દસ્તાવેજ આપી દેવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસમાં જો આ મામલે સરકાર પોતાનુ સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો અમે સમજી લઈશું કે સરકાર માત્રને માત્ર સમય પસાર કરી રહી છે અને સમાજને તોડવાનુ કામ કરી રહી છે. હવે મીડિયા સમક્ષ સારુ બોલીને કામ નહીં ચાલે આ મામલે નક્કર પરિણામ આવવુ જોઈએ, નહીં તો પાટીદાર આંદોલનને કોઈ રોકી શકશે નહીં. હાર્દિકે સવાલ કર્યો હતો કે ૨૦ વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહ્યા છો અને અનામત કેવી રીતે અપાય તેની પણ ખબર નથી. હાર્દિકે ઉમેર્યુ હતું કે જ્યારે પાટીદારો સામે કેસ કરવાના હતા ત્યારે તો બધા કાયદાની ખબર હતી, હવે અનામત આપવાની વાત આવી ત્યારે કાયદા જાણતા નથીના બહાના બતાવવામાં આવી રહ્યા છે.