૨૪ જુન ૨૦૨૧ ગુરૂવાર ને પુર્ણિમા વડ સાવિત્રી વ્રત
વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે. આમ, તો વ્રતની તિથિને લઈને લોકોમાં ભિન્ન ભિન્ન મત છે. પણ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.
વડ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાંડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે. એટલે વડ નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી સર્વમનોકામના પૂર્ણ થાય છે.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાન ની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વડ-સાવિત્રીના નામથી પ્રસિધ્ધ થયું આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓજ કરે છે. આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. આ વ્રત કરીને સ્ત્રીયો અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે કરે છે.
આ વ્રતની પૂજન વિધિ આ પ્રમાણે છે.
વહેલી સવારે ઉઠી ઘરની સફાઈ કરી નિત્યકર્મથી પરવારી સ્નાન કરવું.
ઘરમાં પવિત્ર જળ કે ગૌમૂત્ર છાંટવું.
એક થાળીમાં હળદર,કંકુ,ફૂલ, કાચો દોરો(સૂત), પલાળેલા ચણા,નારીયળ, પંચામૃત ધૂપ, પાકી કેરી, વસ્ત્ર તરીકે એકાદ બ્લાઉઝપીસ કે રૂ નાં વસ્ત્ર બનાવીને પણ મૂકી શકાય છે.
સૌ પ્રથમ વડમાં પાણી સીંચો, સામે એક પાન પર સોપારી મૂકી તેની ગણપતિ તરીકે પૂજા કરો
ત્યારબાદ વડની હળદર-કંકુ વગેરેથી પૂજા કરો. એક બ્લાઉઝ પીસ સાથે એક સુહાગિનના સૌંદર્યની બધી સામગ્રી જેવી કે બિંદી,કાંસકો,બંગડી,અરીસો અને મંગલસૂત્રના કાળા મોતી મૂકો
હવે વડને ફળ-ફૂલ ચઢાવી તેની ચારે બાજુ કાચો દોરો લપેટી વડની સાત કે અગિયાર પરિક્રમા કરો
– છેલ્લે હાથમાં ફૂલ કે ચોખા લઈને વટ-સાવિત્રીની કથા સાંભળો.
પૂજાવિધિ પત્યા પછી બ્રાહ્મણોને વસ્ત્ર દક્ષિણા તથા ફળ વગેરે વસ્તુઓનુ દાન કરો.
અને સાથે ઉપવાસ રાખો
સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિ નાં દીર્ઘાયુષ્ય માટે વ્રત પાળશે
મુહુર્ત
સવારે ૫:૫૬ થી ૦૭:૩૭ અને
૧૧:૦૦ થી બપોરે ૦૪:૦૦ સુધી શુભ છે