ગાંધીનગર – અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ બન્ને હોસ્પિટલોએ એપેડેમિક એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. એએમસી સાથે એમઓયુ કર્યો હોવા છતાં આ બન્ને હોસ્પિટલોએ દર્દી પાસેથી ચાર્જ વસૂલ કર્યો હતો.
જે હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો છે તેમાં આંબાવાડીની અર્થમ અને પાલડીની બોડીલાઇનનો સમાવેશ થાય છે. કોર્પોરેશન સાથે એમઓયુ કર્યા પથી પણ કરાર અનુસાર કોરોનાના દર્દીઓને મફતમાં સારવાર નહીં આપનારી આ બે હોસ્પિટલોને પ્રત્યેકને પાંચ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બન્ને ખાનગી હોસ્પિટલોના સંચાલકોને સાત દિવસમાં દંડ ભરવા કહેવામાં આવ્યું છે.
પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલી બોડીલાઇન હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા રિફર કરવામાં આવેલા દર્દી પાસેથી કોરોના ટેસ્ટના 4500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ અંગે દર્દીના સગાએ ફરિયાદ કરતાં આરોગ્ય અધિકારી દ્વારા આ હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસનો જવાબ નહીં આપતાં હોસ્પિટલના સંચાલકોને પાંચ લાખનો દંડ ભરવા કહેવામાં આવ્યું છે.
એવી જ રીતે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી અર્થમ હોસ્પિટલમાં પણ કોર્પોરેશને 50 ટકા બેડ કોરોનાની સારવાર માટે હસ્તગત કર્યા હતા. જોકે, કોર્પોરેશને એક દર્દીને રિફર કરતા હોસ્પિટલે બેડ ખાલી નથી તેમ કહી દાખલ કર્યા ન હતા. આ અંગે તપાસ કરતા એવું સામે આવ્યું હતું કે અર્થમ હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા હસ્તગત કરાયેલા બેડ પર હોસ્પિટલ પોતાના દર્દીઓને એડમિટ કરી રહી છે. જેની ગંભીર નોંધ લેતા તંત્ર દ્વારા હોસ્પિટલને નોટિસ ફટકારી ખુલાસો પૂછાયા બાદ આજે 5 લાખનો દંડ ફટકારાયો હતો.
અમદાવાદની ઘણી હોસ્પિટલો સાથે એમઓયુ કરીને કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે બેડ હસ્તગત કરવામાં આવે છે. આ બેડ પર દર્દી હોય કે ના હોય પરંતુ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલોને તેનો નિશ્ચિત કરવામાં આવેલો ચાર્જ ચૂકવવામાં આવતો હોય છે. જોકે, કેટલીક હોસ્પિટલો દર્દીઓને નિયમ પ્રમાણેની સારવાર આપતી નથી. અમદાવાદની બે હોસ્પિટલોએ કરારનો ભંગ કર્યો હતો જેથી તેમને દંડ ભરવા કહેવાયું છે.