ગાંધીનગર – કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજ્ય સરકારના આવકમાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે. સરકારની કઇ આવકમાં ઘટાડો થયો છે તેનું સર્વેક્ષણ કરવાના આદેશ નાણા વિભાગને આપી દેવામાં આવ્યા છે ત્યારે એક અંદાજ પ્રમાણે માર્ચ થી મે મહિના સુધીમાં સરકારે કુલ આવકમાં 14,000 કરોડ ગુમાવ્યા છે. નાણા વિભાગને સીધો ફટકો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં પડ્યો છે.
નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉન અને કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે સરકારના બે બજેટને ગંભીર અસર થઇ છે. 2019-20ના બજેટના અંતિમ નાણાકીય માસ માર્ચમાં સરકારને કરવેરાની આવક વધારે મળતી હોય છે ત્યારે તે સમયે લોકડાઉન અને કોરોના સંક્રમણ શરૂ થતાં આવકમાં 40 ટકાનું માસિક નુકશાન થયું છે. બીજી તરફ નવા વર્ષ 2020-21ના બજેટના એપ્રિલ મહિનામાં 65 ટકા અને મે મહિનામાં અત્યાર સુધીમાં 55 ટકા જેટલું નુકશાન છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતીન પટેલે થોડાં સમય પહેલાં કહ્યું હતું કે કોરોના અને લોકડાઉનના કારણે સરકારની વેરાની આવકમાં ગંભીર અસર પેદા થઇ છે છતાં સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના પગાર કરી રહી છે. સરકારની એવી ઘણી આવકો છે કે જે શૂન્ય છે. તેમણે ઇશારો કર્યો હતો કે આ વર્ષે વેટ અને જીએસટીની આવકમાં મોટો ઘટાડો નોંધાઇ શકે છે.
વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે જો આ મહામારી વધુ સમય સુધી ચાલશે તો સરકારની તિજોરી પર અકલ્પ્ય નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે, કારણ કે ચાલુ વર્ષના બજેટના તમામ અંદાજો ખોરવાઇ જવાની શક્યતા દેખાઇ રહી છે. રાજ્ય સરકાર આ વર્ષે નવી યોજનાઓ શરૂ કરી શકશે નહીં. રાજ્ય સરકારે 2019-20ના નાણાકીય વર્ષમાં પણ ખૂબ નુકશાન કર્યું છે. અમારે પગાર અને વ્યાજ સહિતના ખર્ચ કાઢવા માટે બજારમાંથી લોન લેવી પડે તેવી હાલત છે.
નાણા વિભાગના આંકડા પ્રમાણે રાજ્ય સરકારે 2020-21ના નાણાકીય વર્ષના અંતે 1,36,447 કરોડ રૂપિયા મહેસૂલી આવક તેમજ 46,766 કરોડ રૂપિયાની મૂડીઆવક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આમ કુલ માર્ચ 2021ના અંતે ગુજરાત સરકારને 1,83,213 કરોડ રૂપિયા આવક થવાનો અંદાજ હતો પરંતુ કોરોના સંક્રમણના કારણે સરકારને 14,000 કરોડના નુકશાન થવાનો અંદાજ છે. જો કે હજી નાણા વિભાગના સર્વેક્ષણ પછી ચોક્કસ આંકડો બહાર આવી શકે છે. લોકડાઉનના સમયમાં એવી કેટલીક આવકો છે કે જે બિલકુલ શૂન્ય છે.