નોટબંધી થકી કાળા નાણા વિરૂધ્ધ સરકારે ચલાવેલા અભિયાન અને અન્ય ઉપાયોને કારણે ટેકસ રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. કરદાતાની સંખ્યામાં ૯પ લાખનો વધારો નોંધાયો છે. આ માહિતી સરકારના ટોચના સુત્રોએ આપી છે. આ આંકડો પીએમ મોદી સમક્ષ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનનો ભાગ હતો. રેવન્યુ વિભાગે પીએમ સમક્ષ આ વિગતો રજુ કરી હતી. સુત્રોના કહેવા મુજબ લગભગ ૯પ લાખ નવા કરદાતા નોંધાયા છે.
સરકારનો પ્રયાસ છે કે વધુને વધુ લોકો ટેકસના દાયરામાં આવે અને રિટર્ન ફાઇલ કરે. જો કે દેશની વસ્તીમાંથી માત્ર ૧ ટકા લોકો જ ટેકસ ચુકવી રહ્યા છે. નાણાકીય વર્ષ ર૦૧૬માં પ.ર૮ કરોડ રિટર્ન ફાઇલ થયા હતા. આ રીતે તેના આગલા વર્ષના મુકાબલે સંખ્યામાં રર ટકાનો વધારો નોંધાયો હતો. કેટલાક રિટર્ન પેપર મોડમાં પણ ફાઇલ કરાયા હતા.
આવકવેરા વિભાગે કાળા નાણા વિરૂધ્ધ જંગ હેઠળ ટેકસ ચોરી કરનાર લોકો વિરૂધ્ધ અભિયાન શરૂ કર્યુ હતુ. વિભાગે એવા ૧૮ લાખ લોકોની ઓળખ કરી હતી જેઓએ નોટબંધી બાદ પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બેંકોમાં જમા કરાવી હતી.
વિભાગ આ ગાળા દરમિયાન ઉંચી કિંમતની ખરીદીની વિગતો પણ મેળવી રહ્યુ છે. આ ડેટાનો ઉપયોગ ટેકસ ચોરી કરનારા લોકોની ઓળખ કરવામાં થશે. જેમણે ઇન્કમ હોવા છતાં રિટર્ન ફાઇલ કર્યુ ન હતુ અથવા તો પોતાની આવક મુજબ ટેકસ ભર્યો ન હતો. નોટબંધી બાદ ઓપરેશન કલીનમનીમાં આવા લોકોની વિગતો ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તે પછી જ ઇ-મેઇલથી જવાબ માંગવામાં આવ્યા હતા.