નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા ધનવાન અને ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાના માલિક એલન મસ્ક ભારતમાં કારનું નિર્માણ ઝડપથી શરૂ કરવાની તૈયારીમાં છે. તેની શરૂઆત કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી થશે. કંપની અહીં ઈલેક્ટ્રિક કારના નિર્માણ માટે યુનિટ ખોલશે. આ માહિતી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આપી છે.
ટુમકુર જિલ્લામાં ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાની યોજના બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે રાજ્યના ટુમકુર જિલ્લામાં ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર પણ બનાવવામાં આવશે. તેનો ખર્ચ લગભગ 7725 કરોડ રૂપિયા થશે. તેના દ્વારા લગભગ 2.8 લાખ નવા રોજગાર પણ સર્જાશે. તેમણે કેન્દ્રીય બજેટને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે તે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો લાવશે. તેનાથી 2025 સુધીમાં દેશની GDP 5 ટ્રિલિયન ડોલર પહોંચાડવામાં મદદ મળશે.
અમેરિકાની કંપની ટેસ્લાએ 2021માં જાન્યુઆરીમાં ભારતમાં એન્ટ્રી લીધી. કંપનીએ દેશમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રા.લિ.નામથી રજિસ્ટર કરાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રી રામ અને ડેવિડ જોન ફિસ્ટીનને ટેસ્લાના નિર્દેશક નિમવામાં આવ્યા છે.
જોકે ભારતમાં ટેસ્લાની એન્ટ્રીની માહિતી સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપી હતી. તેમણે કહ્યું હતું કે 2021ની શરૂઆતમાં ટેસ્લા ભારતમાં ઓપરેશન શરૂ કરશે. ખાસ વાત એ છે કે દેશમાં ટેસ્લાની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રદૂષણ ઘટાડવાની કોશિશમાં છે.