રાજકોટ, તા. ૩ :. ભારતની વિવિધ બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈ બેંકોને ચૂનો લગાડી દેશના લોકોના કરોડો રૂપિયા ચાંઉ કરી નાસી છૂટેલા ભારતીય ઉદ્યોગપતિ લંડનમાં ધરપકડ થયા બાદ ફકત ૩ કલાકમાં જામીન પર છૂટી જતા દેશના લોકોનો ઉહાપોહ ધ્યાને લઈ કેન્દ્ર સરકારે વિજય માલ્યાને ભારત પરત લાવવા માટે અથાગ પ્રયત્નના ભાગરૂપે સીબીઆઈ અને ઈડીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની એક ટીમનું ગઠન કરી તેનુ નેતૃત્વ મૂળ ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના હાલ સીબીઆઈમાં ડેપ્યુટેશન પર એડી. ડાયરેકટર તરીકે ફરજ બજાવતા રાકેશ આસ્થાનાની પસંદગી કરતા સર્વત્ર તેમની જ ચર્ચા ચાલે છે.
બહુ ઓછા લોકોને એવા વાતની જાણ હશે કે રાકેશ આસ્થાના શરૂઆતની કારકિર્દી દરમિયાન જામનગરમાં એસ.પી. તરીકે પ્રસંશનીય ફરજ બજાવી ચૂકયા છે. ૧૯૯૨થી ૨૦૦૨ સુધીના સમયગાળા દરમિયાન રાકેશ આસ્થાના જે તે સમયે સીબીઆઈમાં એસ.પી. અને પાછળથી ડીઆઈજી દરજ્જે ફરજ બજાવી હતી. બિહારના ધનબાદ ખાતે રાકેશ આસ્થાના સીબીઆઈ એસ.પી. તરીકે હતા તે સમયે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવનું ચકચારી ચારા કૌભાંડની તપાસ તેઓ હસ્તક હતી. તેઓએ હિંમતપૂર્વક તપાસ કરી લાલુ યાદવની ધરપકડ સુધીના પુરાવાઓ એકઠા કર્યા હતા. સૌ પ્રથમ દેશના મીડીયા સમક્ષ તેઓએ જ આ બાબતની જાહેરાત કરતા સમગ્ર દેશમાં સન્નાટો મચી ગયો હતો. એ સમયે રાકેશ આસ્થાના સાથે સીબીઆઈમાં યોગાનુયોગ રાજકોટ રેન્જ અને જૂનાગઢ રેન્જમાં પ્રસંશનીય ફરજ બજાવી ગયેલ નિડર અને પ્રમાણિક એવા હાલ દિલ્હી ખાતે સેન્ટ્રલ વિજીલન્સ કમિશનમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રવિણ સિન્હા પણ તેઓની મદદમાં હતા. સમગ્ર ગુજરાત અને દેશભરમાં બહુ ગાજેલા અને હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સામે આરોપોની તોપો જે મામલે ફુટેલી તેવા ગોધરાકાંડ સમયે સાબરમતી એકસપ્રેસને આગ લગાડવાનું કાવત્રુ પાકિસ્તાનની કુવિખ્યાત જાસૂસ સંસ્થા આઈએસઆઈનું હોવાનું પુરવાર કરતા ફોરેન્સીક પુરાવા સાથે જાહેર કરવાનો યશ પણ રાકેશ આસ્થાનાને જ મળે છે. પાટીદાર આંદોલન સમયે સુરતમાં હાર્દિક સામે આકરા પગલાની કાર્યવાહી કરવાની પહેલ પણ રાકેશ આસ્થાના દ્વારા જ થયેલ.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.