ગાંધીનગર – કોરોના સંક્રમણ ઓછું થતું નથી પરંતુ વધતું જાય છે. લોકડાઉનમાં અનેક રાહતો આપ્યાં પછી પોઝિટીવ કેસોની સંખ્યામાં 18 ટકાનો વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના બયાન પ્રમાણે કોરોના કેસોની સંખ્યા ઓછી થવાની નથી અને આ લડાઇ લાંબી ચાલવાની છે તેવામાં લોકડાઉનના 65 દિવસમાં રાજ્યની જનતા સામે લોકડાઉન ભંગના 20,000થી વધારે કેસો કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ અને જેમને આરોપી બનાવાયા છે તેવા લોકોને કોર્ટના ધક્કા ખાવા પડશે.
પોલીસ ભવનના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉન ભંગની ફરિયાદો રોજ કરવામાં આવતી હતી. અંદાજે 28000થી વધુ લોકો સામે કેસો કરવામાં આવ્યા છે. આ કેસોનો નિકાલ કરવાનો મોટો સવાલ ઉભો થવાનો છે, કારણ કે બઘાં સામે મોટાભાગે એક પ્રકારના કેસો છે છતાં બઘાંને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવું પડશે. ઘણાં કેસોમાં તો કોઇએ માસ્ક પહેર્યું નથી એટલે કેસ કરવામાં આવ્યા છે.
ભારતમાં લોકડાઉનના ચાર તબક્કા 31મી મે ના રોજ પૂર્ણ થયાં છે. અત્યારે લોકડાઉન નહીં પણ અનલોક-1 ચાલી રહ્યું છે. હવે પોલીસ અને કોર્ટનું કામ વધી જવાનું છે, કેમ કે જે કેસો કરવામાં આવ્યા છે તેમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજ્યમાં જાહેરનામા ભંગની કલમ 188 પ્રમાણે તેમજ એપેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે અઢી મહિનામાં હજારો કેસો નોંધવામાં આવેલા છે.
કહેવાય છે કે પોલીસ આ તમામ કેસમાં કોર્ટ કાર્યવાહી માટે ચાર્જશીટ કરવાની તૈયારીમાં પ્રવૃત્ત બની છે. હવે લોકડાઉન રહ્યું નથી પણ અદાલતોમાં કેસનો ભરાવો થવાની સંભાવના છે. સામાન્ય રીતે જાહેરનામા ભંગની ફરિયાદોમાં રોકડ દંડ ભરવાનો હોય છે પરંતુ લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ સહિતના નોંધાયેલા કેસોમાં બઘાં આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી કરી ચૂકી છે. હવે કોર્ટમાં ચાર્જશીટ થશે.
કોર્ટમાં ચાર્જશીટ થાય એટલે આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ બજાવવાનું થાય છે, જેમાં કોઇ આરોપી હાજર ન થાય તો તેને પકડવાની કામગીરી પણ પોલીસે કરવાની રહે છે. ગુજરાતમાં જાહેરનામા ભંગના 9000 કેસો થયા છે. એપેડેમિક એક્ટના 4200 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના 7500 કેસો છે. મહત્વની બાબત એવી છે કે આ કેસોમાં છ મહિના સુધીની જેલની સજાની પણ જોગવાઇ છે.