ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉનથી પિટાઇ ગયેલા શૂક્ષ્મ, નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોની હાલત કફોડી બની છે. બે અઢી મહિનાથી આ ઉદ્યોગો બંધ હોવાથી સંચાલકો તેમજ તેના શ્રમિકો પરેશાન છે તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉદ્યોગોને મદદ કરવા માટે બેન્કોને અપીલ કરી છે.
રૂપાણીની આ અપીલ જો બેન્કો માને તો આ ઉદ્યોગો છ મહિનામાં ફરીથી ધમધમતા થઇ શકે છે પરંતુ મુખ્યમંત્રીની અપીલની અવગણના થશે તો આ ઉદ્યોગોને કાયમી બંધ કરવાનો સમય આવી શકે છે. મુખ્યમંત્રીએ આદેશ કર્યો નથી પરંતુ અપીલ કરી છે તેથી બેન્કોની નિયત પર શંકા જાય તે સ્વાભાવિક છે, પરંતુ મુખ્યમંત્રીએ કહ્યું છે કે લોન સહાય આપીને બેન્કો આ સેક્ટરને બચાવી શકે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજર અને MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે કોવિડની સ્થિતિમાં શૂક્ષ્મ અને લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં 3.50 લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે. MSME એકમોને કોલેટરલ ફ્રી લોન આપવાની પણ ભારત સરકારે જાહેરાત કરી છે તેનો મહત્તમ લાભ ગુજરાતના MSME એકમોને મળે તે માટે તેમણે બેન્કર્સને પ્રો-એકટીવ થવા કહ્યું છે.
રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં 33 લાખથી વધુ MSME એકમો દ્વારા દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે તેમજ આવા MSME એકમોનો રિકવરી રેટ 95 ટકાથી પણ વધારે છે. તેમણે બેન્કર્સને એવો પણ અનુરોધ કર્યો કે, રિઝર્વ બેન્કે રેપોરેટ ઘટાડયો છે તેમજ લીકવીડીટી (તરલતા) ફેસિલીટી વધુ વ્યાપક બનાવી છે ત્યારે રાજ્યના MSME એકમોને પણ વધુ સરળતાએ લોન-સહાય મળે તે જરૂરી છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.