વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી એરલાઈન્સ અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સની એક ‘ગંભીર ભૂલ’ને કારણે ફ્રેન્ચ બોલતી એક મહિલા પેરિસને બદલે સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગઈ હતી ! આ મહિલાએ આ ભૂલને કારણે વિરુદ્ધ દિશામાં આશરે ૪,૮૦૦ કિલોમીટરથી વધુનો વિમાન પ્રવાસ કરી નાખ્યો હતો. વિમાની કંપનીએ છેલ્લી ઘડીએ ગેટ ચેન્જની જાણ ન કરતાં મહિલા ખોટા વિમાનમાં બેસી ગઇ હતી, જેને કારણે આમ બન્યું હતું. એરરલાઈન્સે મહિલાની માફી માગી અને તેને થયેલી હેરાનગતિપેટે વળતરની ચુકવણી કરી હતી.
અંગ્રેજી ન બોલી શકતી લુસી નામની આ મહિલા ૨૪ એપ્રિલે નેવાર્કથી પેરિસ જવા વિમાનમાં બેઠી હતી. ‘નેવાર્ક ટુ ચાર્લ્સ દ ગોલ’ તેમ મહિલાના બોર્ડિંગ પાસ પર લખેલું હતું. તે તેના પાસ પર જે ગેટની સ્ટેમ્પ મારેલી હતી તે ગેટ પર પહોંચી હતી. તેણે વિમાની કંપનીના પ્રતિનિધિને તેના પર સ્કેન કરવાનું કહ્યું હતું. તે વિમાનમાં બેઠી હતી અને 22-C નંબરની સીટ પર પહોંચી હતી.
તેણે ત્યાં જોયું તો એક માણસ પહેલેથી જ તે નંબરની સીટ પર બેઠેલો હતો. મહિલાએ ફ્લાઇટ એટેન્ડેન્ટને વાત કરી તો તેણે ગમે તે સીટ પર બેસી જવાનું કહ્યું હતું. આ રીતે લુસી સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગઇ હતી. સાન ફ્રાન્સિસ્કોમાં ઊતારી દેવાતા તે ગભરાઇ હતી. તેણે પાછા પેરિસ જવા માટે આશરે ૧૧ કલાક સુધી રાહ જોવી પડી હતી. તેને પેરિસ પાછા જવા માટે આશરે ૨૮ કલાકની હવાઇ મુસાફરી કરવી પડી હતી.