પ્રસિદ્ધ સંત મુરારી બાપૂએ ગુરુવારે સાંજે મુંબઈના રેડ લાઈટ વિસ્તારની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે 60થી વધારે સેક્સ વર્કરો સાથે વાતચીત કરીને રોજિંદા જીવનમાં તેમને પડતી મુશ્કેલીઓ અંગે વાકેફ થયા હતા.
દુનિયાભરમાં રામકથા માટે પ્રસિદ્ધ સંત મોરારી બાપુએ મુંબઈને સેક્સ વર્કરોને પોતાના કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. અયોધ્યામાં 22 થી 30 ડિસેમ્બર દરમિયાન યોજાનારી રામકથામાં મુંબઈના કમાઠીપુરા સ્થિત રેડલાઈટ એરિયાની સેક્સ વર્કરોને બોલાવવામાં આવી છે. આ માટે વર્કરોને અયોધ્યા સુધી પહોંચવા અને ત્યાં રહેવાથી લઈને ખાવા-પીવાની તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. મોરારી બાપુ સેક્સ વર્કરોને તુલસી દાસ રચિત ‘માનસ ગણિકા’ના પાઠ સંભળાવશે.
મહાકવિ તુલસીદાસ રચિત માનસ ગણિકા એક વેશ્યાની વાર્તા છે. અયોધ્યા પાસે રહેનાર એક વેશ્યા (ગણીકા)ને તુલસીદાસે રામકથા સંભળાવવા માટે પોતાના ઘરે બોલાવી હતી. તુલસી દાસ પણ વેશ્યાના ઘરે ગયા હતા અને તેમને રામકથા સંભળાવી હતી. આ પૂરી વાર્તામાં માનસ ગણિકાનો જ ઉલ્લેખ કરવમાં આવ્યો છે. આ સમગ્ર કથા મુરારી બાપુ સેક્સ વર્કરોને સંભળાવશે.
મોરારી બાપુએ જણાવ્યું કે, ઈશ્વરની નજરમાં સૌ સમાન છે. આજ કારણે તુલસી દાસ પણ વેશ્યાના ઘરે રામકથા સંભળાવવા ગયા હતા. મોરારી બાપુ અત્યાર સુધી વિશ્વભરમાં 800થી વધુ રામકથા કરી ચૂક્યા છે. તેમણે અયોધ્યામાં આયોજિત રામકથા અંગે સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેનો સબંધ રામ મંદિર સાથે નથી. જો કે માનસ ગણિકાનો સબંધ અયોધ્યા સાથે છે, એટલા માટે જ ત્યાં આયોજન કરવામાં આવી રહ્યું છે.