નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મારુતિ સુઝુકીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, મારુતિ સુઝુકીએ તેના વાહનોની કિંમતોમાં લગભગ 0.80 ટકાનો વધારો કર્યો છે. નવી કિંમતો 1 એપ્રિલ, 2023થી અમલમાં આવી છે. કંપનીએ કહ્યું કે તમામ મોડલની કિંમતોમાં સરેરાશ 0.80 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મારુતિ સૌથી મોટી કાર નિર્માતા કંપની છે અને તેના મોટાભાગના મોડલ મધ્યમ વર્ગના પરિવારમાં ખૂબ જ લોકપ્રિય છે.
23 માર્ચે મારુતિ સુઝુકીએ કિંમતોમાં વધારો કરવાનો સંકેત આપ્યો હતો. કંપનીએ કહ્યું હતું કે તે ખર્ચની અસરને આંશિક રીતે સરભર કરવા માટે એપ્રિલમાં તેના વિવિધ મોડલની કિંમતોમાં વધારો કરશે. કંપનીએ કહ્યું હતું કે ખર્ચ ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મારુતિ સુઝુકીએ 2022-23માં અત્યાર સુધીમાં 19,66,164 એકમોનું વિક્રમી વેચાણ નોંધાવ્યું છે જે નાણાકીય વર્ષ 2021-22માં 16,52,653 એકમો સામે 19 ટકા વૃદ્ધિ સાથે છે. મારુતિએ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં સ્થાનિક બજારમાં 17,06,831 એકમોનું જથ્થાબંધ વેચાણ કર્યું હતું, જે 2021-22ના 14,14,277 યુનિટના આંકડા કરતાં 21 ટકા વધુ છે.
અગાઉ, હોન્ડા કાર, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પ સહિત ઘણી કાર નિર્માતા કંપનીઓએ પણ એપ્રિલથી વાહનોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.