નવ દુર્ગા નાં નવ સ્વરૂપો ની આરાધના
प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रद्मचारिणी ।
तृतीयं चंद्रघण्टेति कुष्मांडेति चतुर्थकम्।।
पञ्चमं स्कंदमातेति षष्ठं कात्यायनीति च।
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम्।
नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः।।
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે નવરાત્રી માં નવદુર્ગા જગદમ્બા આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ આરાધના નું પર્વ છે નવરાત્રી ના નવ દિવસ માં માતાજી ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં સુંદર રીતે આપેલ છે. સાધક પોતાના ઘરમાં ઘટસ્થાપન કરે છે અને નવ દિવસ સાધક આદ્યશક્તિની આરાધના સાધના પુર્ણ શ્રધ્ધા થી કરે છે.આ આદ્યશક્તિ નવદુર્ગા ના પૂજનથી સંસાર ના સમસ્ત, દુ:ખો, કષ્ટો, રોગ, શોક, નિર્ધનતા વગેરે દૂર થાય છે.
૧. શૈલપુત્રી
નવરાત્રી ના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રી નું પૂજન કરાય છે. શૈલપુત્રી નંદી (વૃષભ) પર સવાર રહે છે. માતાજીના જમણા હાથ માં ત્રિશૂળ અને ડાબો હાથ કમળ પુષ્પ થી સુશોભિત છે. માતા ના શૈલપુત્રી સ્વરૂપનું વિધિ વિધાન પૂર્વક પૂજન કરનાર વ્યક્તિ ધન-ધાન્ય થી સંપન્ન રહે છે.
૨. બ્રહ્મચારિણી
નવરાત્રી ના બીજા દિવસે માતાજી ના બ્રહ્મચારિણી સ્વરૂપનું પૂજન કરવાનું વિધાન છે. બ્રહ્મચારિણી શ્વેત વસ્ત્ર માં છે. તેમના જમણા હાથ માં અષ્ટદલ ની માળા તથા ડાબા હાથ માં કમંડળ સુશોભિત રહે છે. તેમનું પૂજન કરનાર સાધક ના સદગુણો માં વૃધ્ધિ થાય છે.
૩. ચંદ્રઘંટા
નવરાત્રી ના ત્રીજા દિવસે માતાજી ના ચંદ્રઘંટા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે.તેમના મસ્તક પર અર્ધ ચંદ્ર શોભિત રહે છે. તેમના દેહ નો રંગ સુવર્ણ સમાન ચમકદાર છે. તેમને ત્રણ નેત્ર અને દસ ભુજાઓ છે. તેમની પૂજા કરવાથી પાપ અને વ્યાધિઓ માં થી મુક્તિ મળે છે.
૪. કૂષ્માંડા
નવરાત્રી ના ચોથા દિવસે માતાજી ના કૂષ્માંડા સ્વરૂપનું પૂજન કરવાનું વિધાન છે. કૂષ્માંડા દેવી સિંહ પર સવાર છે. અને તેમને અષ્ટ ભુજાઓ છે. તેમનું પૂજન કરવાથી બધાંજ પ્રકારના રોગ, શોક અને ક્લેશ માં થી મુક્તિ મળે છે. તેમની સાધના થી સાધક નું ‘અનાહત ચક્ર’ જાગૃત થાય છે.
૫. સ્કંદમાતા
નવરાત્રી ના પાંચમાં દિવસે માતાજી ના સ્કંદમાતા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. સિંહ અને મયૂર તેમના વાહનો છે. તેઓ કમળ નાં આસન પર પદ્માસન મુદ્રા માં બીરાજમાન છે. તેમને ચાર ભુજાઓ છે તેમનું પૂજન કરવાથી સાધકની ઈચ્છાઓ પૂરી થાય છે.જીવનમા સુખ – શાન્તિ મળે છે
૬. કાત્યાયની
છઠ્ઠા દિવસે માતાજી કાત્યાયની સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. તેમનો વર્ણ સુવર્ણ સમાન ચમકદાર છે. અને તેમને ચાર ભુજાઓ છે. તેમનું સ્વરૂપ ભવ્ય અને દિવ્ય લાગે છે. વિધિ વિધાન પૂર્વક પૂજન કરનાર સાધક ને રોગ, શોક અને ભય માં થી મુક્તિ મળે છે.
૭. કાલરાત્રિ
સાતમા દિવસે માતાજી ના કાલરાત્રિ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે.તેમના શરીર નો રંગ કાળો છે. તેમની જમણી ઉપર નીચે ક્રમશઃ ભુજાઓ વરમુદ્રા માં તથા અભય મુદ્રા માં છે. જ્યારે ડાબીમા ક્રમશઃ ખડગ અને શત્રુ ઓની ગરદન છે. તેમના પૂજનથી ભૂત- પિશાચનો ડર દૂર થાય છે.
૮. મહાગૌરી
આઠમા દિવસે માતાજી ના મહાગૌરી સ્વરૂપ નું પૂજન કરવાનું વિધાન છે. મહાગૌરી દેવી એ મસ્તક પર ચંદ્ર નો મુગટ ધારણ કર્યો છે. તેમને ભુજાઓ માં ક્રમશઃ શંખ, ચક્ર, ધનુષ અને બાણ ધારણ કરેલ છે. તેમના પૂજનથી સાધક નાં સમસ્ત પાપ ધોવાય છે અને ધન, વૈભવ તથા સુખ – શાન્તિ માં વૃધ્ધિ થાય છે.
૯. સિદ્ધિદાત્રી
નવમા દિવસે સિદ્ધિદાત્રી સ્વરૂપ નું પૂજન કરવામાં આવે છે. તેઓ કમળ નાં આસન પર બિરાજમાન છે. તેમની જમણી ઉપર અને નીચે ની ભુજાઓ માં ક્રમશઃ ચક્ર તથા ગદા અને ડાબી ભુજાઓ માં ક્રમશઃ શંખ અને કમળ પુષ્પ સુશોભિત છે. તેમના પૂજનથી યશ, બળ , કિર્તી અને ધનની પ્રાપ્તિ થાય છે.