મુંબઇઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર દિવસેને દિવસે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે. આ વખતે પણ સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે નાસિકમાં નવો નિયમ લાગૂ કર્યો છે. શહેરમાં હવે લોકોને ક્યાંય પણ બજારમાં ખરીદી કરવા કે પછી અન્ય કોઈ કારણોસર જવાનું થાય તો તેના માટે 5 રૂપિયા ચુકવવા પડશે. પોલીસ અને પ્રશાસને લોકોને ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે તંત્રએ બજારમાં ભીડ ઓછી કરવા માટે આ પ્રકારના નિયમો લગાવ્યા છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બજાર જતા દર વખતે લોકો પાસેથી 5 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. જેની સામે એક ટિકિટ પણ આપવામાં આવશે. આ એક ટિકિટ એક કલાક માટે માન્ય રહેશે. અને જો કોઈ નાગરિક એક કલાકથી વધારે બજારમાં રોકાશે અને આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.
નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન પાંચ રૂપિયા ફી વસૂલવાનું કામ કરશે. તો વળી શહેરની ભીડભાડવાળી જગ્યામાં પોલીસ પણ તૈનાત રહેશે. નવા નિયમ અનુસાર નાસિકની મુખ્ય બજારમાં લાગૂ આ નિયમ લાગૂ થશે. જેમાં નાસિક માર્કેટ કમિટી, અંબાડમાં પવન નગર માર્કેટ, સાતપુરમાં અશોક નગર માર્કેટ અને ઈંદિરાનગરમાં કલાનગર માર્કેટ શામેલ છે.
આ બજારોમાં જવા માટે એક જ રસ્તો ખુલ્લો રાખવામાં આવશે. અહીં એન્ટ્રીના સમયે લોકોને પાંચ રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. ત્યાર બાદ જ અંદર જ પ્રવેશ મળશે. તો વળી હોકર્સ, શાકભાજી વેચનારા અને દુકાનદારોને અલગથી પાસ આપવામાં આવશે. તો વળી બજાર એરિયાની અંદર રેલા લોકોને આઈડી કાર્ડ ચેક કર્યા બાદ જ અંદર જવા દેવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં સોમવારે કોરનાના નવા 31,643 કેસ આવ્યા છે. જે સાથે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 27,45,518 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 54,283 લોકોએ આ વાયરસની સામે પોતાની જીંદગી ગુમાવી છે. માર્ચ મહિનામાં મહારાષ્ટ્રમાં કોરોનાના લગભગ નવા 6 લાખ કેસો નોંધાયા છે.